સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર અર્થે ખસેડતાં પેટમાં ૪ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ

Files Photo
લગ્નની લાલચે ૧૫ વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી ૪ માસનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમ પ્રકાશ પરમાર સામે પોસ્કો અને બળાત્કાર એકટ હેઠળ ગુનો દાખલ કર્યો
(વિરલ રાણા ) ભરૂચ,ભરૂચ જીલ્લાના સીતપોણ ગામે એક યુવકે સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં સામે આવી છે.પોલીસે સગીરાની પૂછપરછ કરી તેની સાથે દુષ્કર્મ આચરનાર અંગેની માહિતી આપતાં આરોપી સામે પોસ્કો અને બળાત્કાર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના એક ગામમાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં તેણીને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.તપાસ દરમ્યાન તેના પેટમાં ગર્ભ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને આ અંગેની જાણ સગીરાના માતા-પિતાને થતા સગીરાના માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો.સગીરાના પેટમાં ગર્ભ કોનો છે તે તપાસનો વિષય બની ગયો હતો.જેના કારણે પોલીસ અને સગીરાના પરિવારજનોએ તેની કડક પૂછપરછ કરતાં સગીરા સાથે લગ્નની લાલચે સીતપોણ ગામ ભીલવાડો ફળિયાનો યુવક પ્રકાશ ગણપતભાઈ પરમારનાએ તેણીને લગ્નની લાલચ આપી વારંવાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોય તેવી માહિતી પૂરી પાડતા નરાધમ પ્રકાશ પરમારની તાત્કાલિક પોલીસે ધરપકડ કરી હતી.
નબીપુર પોલીસે ઝડપી પાડેલા નરાધમ પ્રકાશ પરમારની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને તેને લગ્નની લાલચે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરતાં પોલીસે તેનું મેડીકલ પરીક્ષણ કરાવવાની તજવીજ કરી હતી.નાનકડા ગામમાં સગીરા સાથે લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચરી ચાર માસનો ગર્ભ કરી દેતા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદ લઈ આરોપી પ્રકાશ ગણપતભાઈ પરમાર સામે પોસ્કો અને બળાત્કારનો ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.