સગીરાને પ્રેમજાળમાં ફસાવી GRDએ વારંવાર રેપ કર્યો
અમદાવાદ, વેજલપુરમાં પરિવાર સાથે રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને ફતેવાડીના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને મોબાઈલ અને એક્ટિવા લઈ આપવાની લાલચ આપી હતી. એ પછી નરાધમ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી અમદાવાદ જિલ્લામાં ગ્રામ રક્ષક દળ એટલે કે GRDમાં ફરજ બજાવે છે. વાત આટલેથી જ પૂરી નથી થતી.
આરોપી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા પછી ભોળવીને દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૮.૫૦ લાખ પણ પડાવ્યા હતા. આખરે, આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો. વેજલપુર પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ, ૧૭ વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે.
સગીરા અભ્યાસ કરી રહી હતી એ સમયે ફતેવાડીમાં રહેતો યુવક નૌમાન ઈશાક પટેલ તેના સંપર્કમાં આવ્યો હતો. એ પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. મિત્રતા થયા પછી બંને એકબીજાની નજીક આવ્યા હતા.
આરોપી યુવકે સગીરાને મોબાઈલ અને એક્ટિવા લાવવાની લાલચ આપીને પોતાની પ્રેમજાળમાં બરાબરની ફસાવી હતી. સગીરા પણ યુવકની વાતોમાં આવી ગઈ હતી અને તેનો વિશ્વાસ કરવા લાગી હતી. એ પછી આરોપી નૌમાન સગીરાને ઈસ્કોન અને સરખેજની અલગ અલગ હોટલમાં લઈ ગયો હતો અને તેનો વારંવાર રેપ કર્યો હતો. એટલું જ નહીં આરોપીએ સગીરાના ઘરે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
એ પછી આરોપી નૌમાને સગીરા પાસે રૂપિયા અને દાગીના મંગાવ્યા હતા. તેણે સગીરાના માતાના બેંક એકાન્ટમાંથી રૂપિયા અને ઘરે પડેલા દાગીના માગ્યા હતા. એટલે સગીરાએ નૌમાનને રોકડા રૂપિયા ૩.૭૦ લાખ અને રૂપિયા ૪.૮૦ લાખના દાગીના આપ્યા હતા.
આમ આરોપી નૌમાને સગીરા પાસેથી કુલ રૂપિયા ૮.૫૦ લાખ પડાવ્યા હતા. એ પછી પોતે આપેલા વાયદાઓ પરથી ફરી ગયો હતો. તેણે સગીરાને મોબાઈલ ફોન કે એક્ટિવા લાવી આપ્યુ નહોતું. આખરે વાતની જાણ પરિવારને થઈ હતી. એ પછી વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી નૌમાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વેજલપુર પોલીસે આરોપી નૌમાન વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. પલ્લાચાર્યે જણાવ્યું કે, પોલીસે આરોપી નૌમાનની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ પોલીસે પોક્સો, દુષ્કર્મ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી જિલ્લામાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવે છે.SSS