Western Times News

Gujarati News

સગીરાને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતા યુવક સામે રાવ

Files Photo

અમદાવાદ: નારોલમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા અગાઉ કેટરિંગનું કામ કરતી હતી ત્યારે તેની સાથે એક યુવક કામ કરતો હતો. બાદમાં આ યુવક આ સગીરાને ફોન કરીને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરી ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં યુવકની માતા સગીરાના ઘરે ગઈ અને જાતિવિષયક શબ્દો બોલી પરિવાર ને અપમાનિત કર્યો હતો. જેથી સગીરાના પિતાએ નારોલમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારોલમાં રહેતા ૫૧ વર્ષીય આધેડ તેમના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે. તેમને સંતાનમાં ૧૬ વર્ષની અને ૧૫ વર્ષની પુત્રી છે. ૧૬ વર્ષની પુત્રી ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે

જ્યારે ૧૫ વર્ષની પુત્રી હોસ્પિટલમાં નર્સિંગનો કોર્સ કરે છે. આધેડની ૧૫ વર્ષીય પુત્રી અગાઉ છૂટક કેટરીંગમાં કામે જતી હતી. ત્યારે ત્યાં પીરસવાનું કામ કરતાં જૈનેશ ઉર્ફે દશરથ ઠાકોર પણ આવતો હતો અને તે આ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં આ જૈનેશે આ સગીરાને તેના નંબર ઉપરથી ફોન કરવાનું શરૂ કર્યું હતું અને ફોનમાં ફ્રેન્ડશીપ કરવા બાબતે અભદ્ર ભાષા બોલી એક વર્ષથી આ હરકત કરતો હતો. સગીરાએ કંટાળીને ગયા મહિને તેના માતા-પિતાને આ બાબતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, જૈનેશ તેને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરે છે અને હેરાન કરે છે.

જેથી સગીરાની માતાએ આ જૈનેશને આ બાબતે સમજાવી ઠપકો આપ્યો હતો. પરંતુ તેણે ફરી છેલ્લા એક મહિનાથી આ સગીરાને ફ્રેન્ડશીપ રાખવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગત ઓકટોબર માસમાં સગીરાનો પરિવાર ઘરે હતો. ત્યારે જૈનેશની માતા તે લોકોના ઘરે આવી હતી અને જાતિવિષયક અપશબ્દો બોલી આ પરિવારને અપમાનિત કર્યો હતો અને બાદમાં ધમકીઓ આપી જતા રહ્યા હતા. જેથી આ મામલે સગીરાના પિતાએ નારોલ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે આ મામલે જૈનેશ તથા તેની માતા સામે ફરિયાદ આપતા પોલીસે એટ્રોસિટી એકટ અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.