વાડજમાં સગીરા પર એસીડ એટેક કરવા આવેલો શખ્સ ઝડપાયો

પ્રતિકાત્મક
વાડજમાં બનેલી ચોંકાવનારી ઘટનાઃ સગીરાના લગ્ન પોતાની સાથે કરાવવા શખ્સે હાથમાં છરી અને એસીડની બોટલ સાથે આંતક મચાવ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અને ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું હોય તેવુ વાતાવરણ જાવા મળી રહયું છે પોલીસતંત્ર આરોપીઓને ઝડપી લેવા માટે સતત કવાયત કરી રહયું છે પરંતુ આરોપીઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ગંભીર ગુનાઓ આચરી રહયા છે આ પરિસ્થિતિમાં શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે.
જેમાં એક શખ્સ ગઈકાલે ૧પ વર્ષની સગીરાને તેની સાથે લગ્ન કરાવવા માટે સગીરાના પરિવારજનો પાસે પહોંચી ધાક ધમકી આપ્યા બાદ સગીરા ઉપર એસિડથી હુમલો કરવાનો પ્રયાસ કરતા સ્થાનિક નાગરિકો એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો મચી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થળ પર આવી પહોચેલી પોલીસે આ શખ્સને છરી અને એસીડ બોટલ સાથે ઝડપી લેતા સગીરા અને તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો જયારે ઈજાગ્રસ્ત એક યુવાનને સારવાર આપવામાં આવી હતી આ અંગે વાડજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પર કષ્ણનગરની ચાલીમાં રહેતા સંગીતાબહેન ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં મોટી ૧પ વર્ષની પ્રિયાંશી અને બીજા નંબરે ૧૩ વર્ષનો પુત્ર આર્યન છે સંગીતાબેન તેના પતિ બે સંતાનો તથા સાસુ સાથે અહી રહે છે.
આજ ચાલીમાં રહેતો સંજય મહેન્દ્ર ઉર્ફે મહેશ મકવાણા નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી સંગીતાબહેનની સગીરવયની પુત્રી ને પરેશાન કરતો હતો તથા તેને ધાકધમકી પણ આપતો હતો સગીરાના નાના ભાઈને પણ આ શખ્સ ધાકધમકી આપતા સમગ્ર પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવતો હતો.
સંજયની દાદાગીરીથી આ સગીરા ઘરની બહાર નીકળતા પણ ડરતી હતી બીજીબાજુ સંજય આ સગીરાના લગ્ન તેની સાથે કરાવવા માટે પરિવારજનો પર દબાણ કરતો હતો પરંતુ પરિવારજનોએ સ્પષ્ટ ના પાડી હતી જેના કારણે ઉશ્કેરાયેલો સંજય હવે બેફામ બની ગયો હતો ખુલ્લેઆમ ધમકીઓ આપતા ભયનો માહોલ છવાઈ જતો હતો.
આરોપી સંજય છેલ્લા ઘણા દિવસથી સતત ધાકધમકીઓ આપતા પરિવારજનો ગભરાયા હતાં આ દરમિયાનમાં ગઈકાલ સાંજે સગીરા ઘરે હતી ત્યારે સંજય એક હાથમાં ચપ્પુ અને બીજા હાથમાં એસીડની બોટલ લઈ તેના ઘરની બહાર આવી પહોંચ્યો હતો આ સમયે સગીરાની દાદી ઘરની બહાર ઉભી હતી તેની સાથે સંજયે ઝઘડો કરી સગીરાના લગ્ન તેની સાથે કરાવવા માટે જણાવ્યું હતું અને જા લગ્ન નહી કરાવે તો અત્યારે સગીરા ઉપર એસીડ છાંટી દેશે તેવી ધમકીઓ આપી હતી આરોપીના હાથમાં ચપ્પુ અને એસિડની બોટલ જાઈ દાદી ગભરાઈ ગઈ હતી અને તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં.
બીજીબાજુ સંજય બેફામ બની ગયો હતો અને તેણે એકત્ર થયેલા ટોળાની સામે છરી બતાવી હતી જેના પરિણામે નાગરિકો પણ ગભરાયા હતા આ દરમિયાનમાં પાડોશમાં રહેતા યુવાન રમેશભાઈએ સંજયના હાથમાંથી છરી ઝુટવવાનો પ્રયાસ કરતા આરોપીએ તેના પર હુમલો કરી છરી મારી દીધી હતી અને ત્યારબાદ સગીરા અને તેના પરિવારજનો પર એસીડ એટેક કરવા માટે ધમકીઓ આપતો હતો આ દરમિયાનમાં એકત્ર થયેલા નાગરિકે ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ અંગેનો મેસેજ વાડજ પોલીસને આપવામાં આવ્યો હતો.
કષ્ણનગરની ચાલીમાં આરોપીએ હાથમાં એસીડની બોટલ અને ચપ્પા સાથે આંતક મચાવ્યો હતો સગીરા અને તેનો પરિવાર ફફડી રહયો હતો ત્યારે પોલીસ અધિકારીઓ આવી પહોંચતા આરોપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. આરોપી ઝડપાઈ જતાં સગીરાએ હાશકારો અનુભવ્યો હતો આ અંગે સગીરાની માતા સંગીતાબહેને વાડજ પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય મહેન્દ્રભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સંજય મકવાણા એસીડની બોટલ કયાંથી લાવ્યો તે અંગે પુછપરછ શરૂ કરી છે.