Western Times News

Gujarati News

સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત

Files Photo

દોહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે વહેલી સવારે ચકચારી બનાવ સામે આવ્યો હતો જેમાં કાળીડુંગરી ગામે જ રહેતી ૧૬ વર્ષીય સગીરા તથા ૨૦ વર્ષીય વિક્રમભાઈ નરવતભાઈ પટેલ બંન્ને જણાએ ગામમાં આવેલ એક લીમડાના ઝાડ ઉપર ઓઢણી બાંધી અગમ્યકારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યાનો બનાવ એવા દિવસે બન્યો છે જેને વિશ્વમાં વર્લ્‌ડ સુસાઇડ પ્રિવેન્શન ડે તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ બંન્નેના પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં તમામના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં દેવગઢબારીયા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના લટકતા મૃતદેહનોને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા. સ્થળ પર પરિવારજનોનો આક્રંદનો માહોલ જાેવા મળ્યો હતો.

સગીરાના કાકા હસમુખભાઈ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આ મામલે જાણ કરતાં પોલીસે પ્રાથમીક તબક્કે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ૧૦મી સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં આત્મહત્યા ન થાય તે માટેની જાગૃતિના દિવસ તરીકે જ ચિહ્નિત કરવામાં આવે છે. આ દિવેસ સમગ્ર વિશ્વમાં આ સમસ્યાના નિવારણ માટે કાર્યક્રમો થાય છે, ત્યારે દાહોદના દેવગઢ બારિયાના નાનકડાં ગામમાં પ્રેમની વેદી પર જિંદગી કૂરબાન કરનારા પ્રેમી પંખીડાએ ભરેલા પગલાથી ચોમેર ચકચાર મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.