સગીર યુવતી સાથે કાપડની દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું
જામનગર: જામનગરના જામજોધપુરમાં સાડા ૧૬ વર્ષની સગીરા પર કપડાની દુકાનમાં દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે. ૧૬ વર્ષની એક સગીરા પર દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર માં વધુ એક દુષ્કર્મ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે. જામજોધપુરના જ એક દુકાનદારે પોતાની દુકાને ગ્રાહક તરીકે આવેલી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ધાક-ધમકી આપી એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.
પોલીસે દુષ્કર્મ અંગે ની કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દુકાનદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામજોધપુર ટાઉનમાં રહેતી સોળ વર્ષની એક સગીરા કે જે જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા મયુર રાજેશભાઈ ડાભી નામના દુકાનદારને ત્યાં માલ સામાનની ખરીદી કરવા માટે આજથી ત્રણેક માસ પહેલા ગઈ હતી.
જે દરમિયાન દુકાનદારે સગીરાને પોતાની દુકાનની અંદર બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું, ત્યાર પછી તેણીને બનાવ અંગે કોઇને જાણ કરશે તો પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર સગીરા મૌન રહી હતી.
ત્યાર પછી દુકાનદારે વધુ ધાક-ધમકી આપીને ફરીથી અલગ અલગ સમયે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાથી અને વારંવારના ત્રાસથી સગીરા ડઘાઈ ગઈ હતી, અને પોતાના ઘેર સુનમૂન બેઠી હતી.
જે દરમિયાન આજે બપોરે તેણીની માતા એ પોતાની પુત્રીને ફોસલાવીને પૂછપરછ કરતા આખરે તેણીએ દુષ્કર્મની ઘટના અંગે કબૂલાત આપી હતી, અને સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.