સચિને શ્રીનાથને પોતાનું પેન્ટ પહેરાવવા ખાસ ટ્રિક કરી હતી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણીએ સચિનના મસ્તીખોર મિજાજનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો
નવી દિલ્હી, વિશ્વના મહાન ક્રિકેટરની સચિન તેંડુલકરની છાપ એક સરળ ખેલાડીની રહી છે પરંતુ આ દિગ્ગજ ક્રિકેટર કેટલો મસ્તીખોર હતો તે તેની સાથે રમી ચૂકેલા ખેલાડીઓ સારી રીતે જાણે છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણી સચિનનો એક આવો કિસ્સો જણાવ્યો છે. સચિને ટીમના તેના સાથી ખેલાડી જવાગલ શ્રીનાથ સાથે એક મજાક કરી હતી.
બદાણીએ ઈન્સ્ટાગ્રામ પેજ પર કહ્યું હતું કે, કટકમાં શ્રીનાથ કોઈ કારણસર ગભરાયેલો લાગતા હતા. સામાન્ય રીતે તેઓ નર્વસ નથી હોતા પરંતુ ત્યારે તેઓ નર્વસ હતા. હું તે મેચમાં રમી રહ્યો ન હતો. તેથી સચિન મારી પાસે આવ્યા અને તેમણે મને શ્રીનાથ સાથે એક મજાક કરવાનું કહ્યું હતું. જેથી કરીને શ્રીનાથનો મૂડ સારો થઈ જાય.
બદાણીએ જણાવ્યું હતું કે, સચિને મને કહ્યું કે જા તું મારું આ ટ્રાઉઝર લઈને શ્રીનાથની કિટ બેગમાં મૂકી દે. જ્યારે શ્રીનાથનું ટ્રાઉઝર ગમે ત્યાં મૂકી દે જે. બદાણીએ પણ સચિને કહ્યું હતું તે પ્રમાણે કર્યું હતું અને ટ્રાઉઝરની અદલાબદલી કરી દીધી હતી.
શ્રીનાથ પ્રેક્ટિસમાંથી આવ્યા હતા અને પોતાના બેગમાંથી ટ્રાઉઝર નીકાળીને પહેરી લીધું હતું. તેમણે ધ્યાન જ ન હતું આપ્યું કે આ ટ્રાઉઝર કોનું છે. તેઓ ટ્રાઉઝર પહેરીને સીધા મેદાન પર જતા રહ્યા હતા. તેમણે એક ઓવર પણ ફેંકી હતી તેમ બદાણીએ જણાવ્યું હતું.
બદાણીએ જણાવ્યું હતું કે, ઓવર ફેંક્યા બાદ શ્રીનાથે જાયું કે આખી ટીમ તેમના પર હસી રહી હતી. ત્યારે તે વિચારમાં પડી ગયા હતા કે ટીમ તેમની સામે કેમ હસી રહી છે. જ્યારે તેમણે જાયું તો ખ્યાલ આવ્યો કે તેઓ જે પેન્ટ પહેરીને આવ્યા હતા તે તેમનું ન હતું. તેઓ હસ્યા અને ડ્રેસિંગ રૂમમાં જઈને ટ્રાઉઝર બદલીને આવ્યા હતા.