સચિન તેંડુલકર રસ્તો ભૂલી ગયો, રિક્ષાવાળાએ મદદ કરી
નવી દિલ્હી: હાલના દિવસોમાં જીપીએસના માધ્યમથી લોકો રસ્તો શોધી લેતા હોય છે અથવા તો ગૂગલ મેપની મદદ લેતા હોય છે. જોકે, ક્યારેક ટેકનોલોજી પણ કામમાં નથી આવતી. ત્યારે રસ્તો શોધવા માટે કોઈને પૂછવાની જૂની અને જાણીતી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આવો અનુભવ થયો હતો. સચિન પોતાની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તે રસ્તો ભૂલી ગયો હતો અને એક રિક્ષા ડ્રાઈવરે તેની મદદ કરી હતી.
સચિને જાન્યુઆરી ૨૦૨૦નો એક વિડીયો શેર કર્યો છે. તેમાં તે કહી રહ્યો છે કે તે કેવી રીતે રસ્તો ભૂલી ગયો હતો. સચિને કહ્યું હતું કે, હું કાંદિવલી ઈસ્ટમાં છું અને શું તમે વિશ્વાસ કરશો કે હું અહીં રસ્તો ભૂલી ગયો છું. રસ્તા પર કામ ચાલી રહ્યું હોવાના કારણે હું રસ્તો ઓળખી શક્યો નહીં. સચિને કહ્યું હતું કે તે એકલો હોય ત્યારે ક્યારેય રસ્તો શોધી શકતો નથી. હાઈવે પર પહોંચ્યા બાદ સચિને કહ્યું હતું કે હવે તે રસ્તો ઓળખી ગયો છે. સચિને રિક્ષાવાળા સાથે વાત પણ કરી હતી. સચિને રિક્ષાવાળાનું નામ પૂછ્યું હતું અને તેણે પોતાનું નામ મંગેશ જણાવ્યું હતું.
ભારતના મહાન ક્રિકેટરે જણાવ્યું હતું કે તેને રસ્તો મળી રહ્યો ન હતો. ત્યારે એક રિક્ષાવાળાએ તેને ઓળખી લીધો હતો અને તેને પાછળ આવવાનું કહ્યું હતું. સચિને તે રિક્ષાવાળાની પાછળ પાછળ પોતાની ગાડી જવા દીધી હતી. બાદમાં સચિને રિક્ષાવાળાનો આભાર માન્યો હતો. રિક્ષાવાળાએ પણ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન સાથે પોતાની યાદગાર ક્ષણને સેલ્ફિ દ્વારા કેદ કરી લીધી હતી.