સચિન વાજે બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીને હટાવવાની અટકળ
નવી દિલ્હી: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની સંડોવણી બહાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય મોરચે પણ હલચલ તેજ થઈ છે.
વાજેની એનઆઈએ દ્વારા ધરપકડ કરાઈ છે અને તેમને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે ત્યારે હવે આ મામલામાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદેથી અનિલ દેશમુખને હટાવવામાં આવશે તેવી અટકળો તેજ બની છે.દરમિયાન દિલ્હીમાં શરદ પવાર અને અનિલ દેશમુખ વચ્ચે આજે એક બેઠક પણ યોજાઈ હતી. બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ પવારના ઘરમાંથી દેશમુખ બહાર નીકળતા નજરે પડ્યા હતા.
એ પછી દેશમુખે કહ્યુ હતુ કે, કેટલીક ભૂલો જાેવા મળી છે અને તે માફીને લાયક નથી. પોલીસ કમિશનરની બદલી કરી દેવાઈ છે અને હવે તપાસમાં જે પણ સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ ભાજપના સાંસદ નારાયણ રાણેએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકાર યોગ્ય રીતે કામ નથી કરી રહી. અધિકારીઓના ભરોસે બધુ ચાલી રહ્યુ છે. અહીંયા મુકેશ અંબાણી સુધ્ધા સુરક્ષિત નથી અને મેં અમિત શાહને પત્ર લખીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.