સચિવાલયની આસપાસના મુખ્ય માર્ગો મોડી સાંજથી બંધ કરી દેવાતા વાહન ચાલકોમાં કુતૂહલ

વિધાનસભા સંકુલમાં કથિત બોમ્બ બ્લાસ્ટને કારણે સચિવાલયમાં સનસનાટી
રાજ્યના પાટનગર ખાતે આવેલા સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં મંગળવારે મોડી સાંજે બોંબ બ્લાસ્ટ થયા હોવાની વાતો વહેતી થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
જોકે, મોડી રાત્રે થયેલા ઘટસ્ફોટમાં આ બોમ્બ બ્લાસ્ટ, એક મોકડ્રીલનો ભાગ હોવાનું જાણવા મળતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.
ગાંધીનગર સ્થિત સચિવાલયના ગેટ નંબર – ૧ ખાતે મંગળવારે સાંજે છ વાગ્યે ને છ મિનિટના સુમારે છ લોકો પ્રવેશ્યા હતા. જોકે ગેટ ઉપર ઉપસ્થિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌધરીની બાજ નજરથી આ છ જવાનો છટકી શક્યા ન હતા.
સાદા કપડામાં આવેલા આ લોકો શંકાસ્પદ જણાતા, એન્ટ્રી આપવાનો ઇનકાર કર્યો હતો. અંતે આ જવાનો નેશનલ સિક્યુરિટી ગાર્ડ ના લોકો હોવાની જાણ થતાં તેઓને એન્ટ્રી આપવામાં આવી હતી.
એ પછી મોડી સાંજે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ સહિત વિધાનસભા બિલ્ડિંગમાં ધડાકાઓ સંભળાયા હતા. એ પહેલા કથિત આતંકવાદી દ્વારા વિધાનસભાના સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ માં ફરજ બજાવતાં મયુરીબેનને નજરકેદ બનાવી દેવામાં આવ્યા હતા.
ત્યાર પછી વિધાનસભાનાં પોડિયમ માં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર સચિવાલય અને આસપાસના વિસ્તારમાં ધમાચકડી મચી જવા પામી હતી.
આખરે, આ બોમ્બ બ્લાસ્ટ, એ નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આયોજિત mock drill ઓપરેશન હોવાનું બહાર આવતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. NSG સહિત સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો અને સલામતી કર્મીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ ઓપરેશન મોડી સાંજથી મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિવાલયની આસપાસના મુખ્ય માર્ગો મોડી સાંજથી બંધ કરી દેવાતા રાહદારી અને વાહન ચાલકોમાં ભારે કુતૂહલ સહ કેટલેક અંશે ડરનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.