Western Times News

Gujarati News

સતત ત્રણ દિવસથી ચાલતા શ્રમિકો હિંમત હાર્યા હવે નહિ ચલાય: સુરતથી ઝાંસી જવા નીકળેલા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા

એક તરફ સરકાર દ્વારા જે તે ક્ષેત્રના લોકોને તેમના વતન જવા દેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે બીજી બાજુ અનેક શ્રમિકોને પગપાળા નિકળી પડવાનો વારો આવ્યો છે. ત્યારે સોમવારના રોજ સુરતથી દિલ્હીના ઝાંસી જવા નિકળેલ શ્રમિકો અરવલ્લીમાં ચાલતા ચાલતા આવી પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ધોમધખતા તાપમાં પણ ચાલીને નિકળેલા શ્રમિકોએ ટીંટોઈમાં વિસામો કરતા નજરે ચઢ્યા હતા. હાલ તો નોકરીધંધા બંધ થઈ ગયા હોવાથી ઘરના પણ નહીં અને ઘાટના પણ નહીં જેવી સ્થિતિ શ્રમિકોની સર્જાઈ છે.

લોકડાઉન શરૂ થયું તે અરસામાં હજારો શ્રમિકોએ પગપાળા વતનની વાટ પકડી હતી. ત્યારે લોકડાઉનને ૪૬ દિવસ જેટલો સમય વીતી જવા બાદ સરકારે જે તે રાજ્યોના પરપ્રાંતિઓને જવા માટે વ્યવસ્થા પણ કરી દીધી છે અને તેઓ માટે ટ્રેન પણ શરૂ કરી વતન મોકલવાની તજવીજ હાથ ધરી છે. છતાં કેટલાક શ્રમિકોને પરમીશન ન મળી હોય કે અન્ય કોઈ કારણસર હજારો કિલોમીટર પગપાળા વતન તરફ જવા નિકળી પડ્યા છે.

સોમવારના રોજ સુરતથી દિલ્હીના ઝાંસીના કેટલાક શ્રમિકો અરવલ્લીમાં થઈને નિકળ્યા હતા. જેઓએ ટીંટોઈ ખાતે એક ઝાડ નીચે વીસામો કર્યો હતો. તેઓ પાસેથી જાણવા મળ્યા મુજબ તેઓ છેલ્લા ત્રણ દિવસથી ચાલીને સુરતથી અહીં સુધી પહોંચ્યા છે. થાકીને લોથપોથ થઈ ગયેલા શ્રમિકોએ ટીંટોઈ નજીક વિસામો લેતાં હજુ આગળ ચાલવાની શક્તિ ન હોય તેવું લાગી રહ્યું હતું. એક તરફ ધોમધખતો તાપ અને ચાલીને આગળ ધપતા શ્રમિકોની હાલ તો હાલત કફોડી છે. (દિલીપ પુરોહિત. બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.