સતત પરાજયથી સુકાની એમ.એસ. ધોની ચિંતિત
દુબઈ: ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝન સારી રહી નથી. ત્રણ વખતની ચેમ્પિયન ટીમ હાલમાં એક વિજય મેળવવા માટે તરસી રહી છે. સતત મળી રહેલા પરાજયથી આઈપીએલના સૌથી સફળ સુકાનીઓમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની પણ ચિંતિત થઈ ગયો છે. કેપ્ટન ધોનીનું કહેવું છે કે તેની ટીમમાં ઘણી બધી નબળાઈ છે પરંતુ બેટિંગ સૌથી મોટી ચિંતા છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની શરૂઆત આટલી ખરાબ અગાઉ એક પણ એડિશનમાં રહી ન હતી. ચેન્નઈની ટીમને સાતમાંથી પાંચ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. શનિવારે ચેન્નઈનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હતો.
ધોનીની ટીમ સામે ૧૭૦ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, ધોનીની ટીમ આ લક્ષ્યાંક પાર પાડવામાં નિષ્ફળ રહી હતી. ટીમને ૩૭ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બેંગલોર સામે પરાજય બાદ ધોનીએ જણાવ્યું હતું કે અમારા જહાજમાં ઘણા બધા હોલ્સ છે. તમે એક હોલને બંધ કરવાનો પ્રયાસ કરો છો તો પાણી બીજા હોલમાંથી જતું રહે છે. અમારે એક સાથે મળીને કામ કરવું પડશે. પરિણામ મેળવવા માટે અમારે એક સાથે મળીને કામ કરવું પડશે. એક વખત અમને અમારા પક્ષમાં પરિણામ મળી જશે તો બધું પાટા પર આવી જશે. ધોનીએ બેટિંગ અંગે સૌથી મોટી ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, બેટિંગ અમારા માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. અમારે તેમાં સૌથી વધારે સુધારો કરવાની જરૂર છે.
તમામ બેટ્સમેનોએ જવાબદારી લેવી પડશે. અમારી પાસે ઘણા સારા બેટ્મસેન છે. મોટા શોટ્સ મારવાની જરૂર છે અને તે દરમિયાન આઉટ થવાય તો પણ કોઈ વાંધો નથી. અમારે બેટિંગમાં ઝડપથી સુધારો કરવો પડશે.