સતત બીજી હાર સાથે બાંગ્લાદેશ સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/England.jpg)
અબુધાબી, T-20 વર્લ્ડ કપની 20મી મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરતા સમયે બાંગ્લાદેશની ટીમે 9 વિકેટે 124 રન કર્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 14.1 ઓવરમાં 126/2 સ્કોર ચેઝ કરી લીધો છે. આ ઈનિંગ દરમિયાન જેસન રોયે 38 બોલમાં 61 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે સુપર-12માં બાંગ્લાદેશની સતત બીજી હાર સાથે સેમિફાઇનલમાં પહોંચવાની તક મુશ્કેલ થઈ ગઈ છે.
જો બાંગ્લાદેશે ટોપ-4 માટે દાવેદારી ટકાવી રાખવા માટે તેને વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની દરેક મેચ જીતવી જ પડશે.
ટાર્ગેટને ચેઝ કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી સારી રહી હતી. પહેલી વિકેટ માટે જોસ બટલર અને જેસન રોય વચ્ચે 39 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. બટલર(18 રન) આઉટ થયા પછી જેસન રોય અને ડેવિડ મલાન વચ્ચે 48 બોલમાં 73 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જેસન રોય પોતાની 50મી T-20i મેચમાં 38 બોલમાં 61 રન કરી આઉટ થયો હતો.