સતત વિઘ્નને કારણે માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું : લોકસભા અધ્યક્ષ

નવીદિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળા વચ્ચે સત્રના કામકાજમાં વિઘ્ન પડતું રહ્યું અને માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, ૧૭મી લોકસભાની છઠ્ઠી બેઠક ૧૯ જુલાઈ ૨૦૨૧થી શરૂ થઈ અને આ દરમિયાન ૧૭ બેઠકોમાં ૨૧ કલાક ૧૪ મિનિટનું કામકાજ થયું. તેમણે કહ્યું કે ગૃહમાં કામકાજ અપેક્ષા પ્રમાણે રહ્યું નથી.
બિરલાએ જણાવ્યુ કે, વિક્ષેપોને કારણે ૯૬ કલાકમાંથી આશરે ૭૪ કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સતત વિઘ્નને કારણે માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું છે. તેમણે કહ્યું કે, આ સત્ર દરમિયાન બંધારણ (૧૨૭મું સંશોધન) બિલ સહિત કુલ ૨૦ બિલ પાસ કરવામાં આવ્યા છે. બિરલાએ જણાવ્યુ કે ચોમાસુ સત્ર દરમિયાન ૬૬ તારાંકિત પ્રશ્નોના મૌખિક ઉત્તર આપવામાં આવ્યા અને સભ્યોએ નિયમ ૩૭૭ હેઠળ ૩૩૧ મામલા ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન વિભિન્ન સ્થાયી સમિતિઓએ ૬૦ ટકા રિપોર્ટ પ્રસ્તુત કર્યા,
૨૨ મંત્રીઓએ વ્યક્તવ્ય આપ્યા અને મોટી સંખ્યામાં પત્ર સભા પટલ પર રાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન ઘણા નાણાકીય અને કાયદાકીય કામો હાથ ધરવામાં આવ્યા હતા.મંગળવારે સરકારે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી પાસ કરાવી લીધું હતું. આ બિલનું વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે બુધવારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભાનું આ સત્ર ૧૩ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, પરંતુ હવે બે દિવસ પહેલા જ લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
આ પહેલા બિરલાએ ગૃહને ચાર પૂર્વ સભ્યોના નિધનની જાણકારી આપી અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના વ્યક્તવ્ય બાદ વંદે માતરમની ધુન વગાડવામાં આવી અને ગૃહની બેઠકોને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી. આજે ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.