સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો
નવીદિલ્હી: ભારતમાં સતત સાતમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ ૨૬ પૈસા પ્રતિ લીટર વધીને ૮૮.૯૯ રૂપિયાએ પહોંચી ગયો. ડીઝલ પણ ૨૯ પૈસાની છલાંગ લગાવીને ૭૯.૩૫ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ પર છે. અમદાવાદની વાત કરીએ તો આજે પેટ્રોલના ભાવ વધીને ૮૬.૨૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ વધીને ૮૫.૫૨ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.
નવું વર્ષ પેટ્રોલ અને ડીઝલના વપરાશકર્તાઓ માટે સારું નથી રહ્યું. આમ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર ૧૯ દિવસ જ પેટ્રોલ મોંઘું થયું પરંતુ આ દિવસોમાં જ તે ૫.૧૮ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. મુંબઈમાં તો પેટ્રોલ ૯૫ રૂપિયાથી પાર પહોંચી ગયું છે, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે. તેની સાથે જ લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ એલ ટાઇમ હાઇ પ્રાઇસ પર પહોંચી ગયું છે. આ પહેલા ગયા વર્ષના બીજા હાફમાં પણ પેટ્રોલના ભાવ ખૂબ વધ્યા હતા. જાેવા જઈએ તો છેલ્લા ૧૦ મહિનામાં જ તેની કિંમત લગભગ ૧૮ રૂપિયા પ્રતિ લીટર જેટલી વધી છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૮૮.૯૯ રૂપિયા અને ડીઝલ ૭૯.૩૫ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૫.૪૬ રૂપિયા અને ડીઝલ ૮૬.૩૪ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૦.૨૫ રૂપિયા અને ડીઝલ ૮૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૧.૧૯ રૂપિયા અને ડીઝલ ૮૪.૪૪ રૂપિયા પ્રતિ લીટર છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.