Western Times News

Gujarati News

સતલાસણા હાઈવે પર બાઈકને બચાવા જતાં કાર કૂવામાં ખાબકી

મહેસાણા, સતલાસણા ખાતે કોલેજ પાસેની પટેલવાડી નજીક બાઈકચાલકને બચાવા જતાં સ્કોર્પિયો ગાડી કૂવામાં ખાબકી હતી. ગાડી કૂવામાં પડી જતાં આઠ માસના એક બાળક અને ૬૦ વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે સ્કોર્પિયોમાં બેઠેલા અન્ય છ લોકોને ઈજા થઈ હતી. જ્યારે બે બાઈક સવારને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

સતલાસણા તાલુકાના ભાણાવાસનો પરિવાર સ્કોર્પિયો કાર લઈને સતલાસણા તરફ આવી રહ્યો હતો ત્યારે સતલાસણાની કોલેજ પાસે હાઈવે પર આવેલી પટેલવાડી નજીક બાઈક વચ્ચે આવી જતાં કારના ડ્રાઈવરે બાઈકસવારોને બચાવા પ્રયાસ કરતાં બીજી તરફ આવેલા કૂવામાં ગાડી ખાબકી હતી. સ્કોર્પિયો કૂવામાં ખાબકતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અંધારુ થઈ જતાં બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી હતી. ગાડીમાં બેઠેલા આઠ લોકો પૈકી આઠ માસના બાળક અને વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં ગામના અને આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સતલાસણાના યુવક અને અન્ય દેવાભાઈ રબારી નામના શખ્સે સ્કોર્પિયો કાર કૂવામાં ખાબકી ત્યારે ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના કૂવામાં ઉતરીને કારમાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. તમામને બહાર કાઢ્યા બાદ ક્રેનની મદદથી કારને પણ બહાર કઢાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં જબાબા ચંદરસિંહ ચૌહાણ (૬૦ વર્ષ, રહે. રામનગર, તાલુકો દાંતીવાડા), યશરાજસિંહ દરગુસિંહ ચૌહાણ (૮ માસ, રહે. ભાણાવાસ, તાલુકો સતલાસણા)નું મોત થયું છે. જ્યારે ઈશ્વરસિંહ કનુસિંહ ચૌહાણ, ગજુસિંહ મોતીસિંહ ચૌહાણ, દરગુસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ, રણજિતસિંહ સોમસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ સતલાસણાના ભાણાવાસના રહેવાસી છે. જ્યારે વજાપુરના નિવાસી ઠાકોર જવાનજી રામાજી અને બાદલભાઈ બેચરજી ઠાકોર પણ ઘાયલ થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.