સત્તાનું પરિવર્તન શાંતિપૂર્ણ માહોલમાં જ થવું જાેઈએ : મોદી
નવી દિલ્હી: અમેરિકાના કેપિટલ બિલ્ડિંગની બહાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા અને હોબાળાની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્રમ્પનું નામ લીધા વગર તેમને સરકાર બદલાવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થવી જાેઈએ તેવી સલાહ આપી છે.
આ સાથે મોદીએ અમેરિકામાં ઉભી થયેલી સ્થિતિથી તેઓ વિચલિત છે તેમ પણ જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સ્થિતિ અંગે ટિ્વટ કરીને ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે, “વોશિંગટન ડીસીમાં હિંસાના સમાચાર જાેઈને ચિંતિત છું. સત્તાનું પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થતું રહેવું જાેઈએ.
લોકતાંત્રિક પ્રક્રિયામાં આવી ગેરકાયદેસર પ્રક્રિયાને સ્થાન ના મળવું જાેઈએ.” એવી પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનું નામ લીધા વગર તેમને નવી સરકારને શાંતિથી કામ સોંપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
જણાવી દઈએ કે નવા ચૂંટાયેલા જાે બાઈડન જીતને પ્રમાણિત કરવા માટે સંસદના સંયુક્ત સત્ર માટે કેપિટલ બિલ્ડિંગમાં બેઠા હતા, ત્યારે સંસદની બહાર ટ્રમ્પના સમર્થકોએ હોબાળો કરી દીધો. પ્રદર્શન કરી રહેલા ટ્રમ્પના સમર્થકોએ કેપિટલની સીડીઓ સુધી લગાવેલા બેરિકેટ તોડીને અંદર ઘૂસવાની કોશિશ કરી હતી. આ હિંસાની ઘટનામાં એક મહિલાનું મોત પણ થઈ ગયું છે.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદનું સંયુક્ત સત્ર શરુ થતા પહેલા કહ્યું હતું કે તેઓ ચૂંટણીમાં હાર નહીં સ્વીકારે. તેમણે આરોપ લગાવ્યો કે તેમાં ગોટાળો થયો છે અને તે તેમના વિરોધી બાઈડન માટે કરાઈ છે, જેઓ નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ છે. ટ્રમ્પે વોશિંગટન ડીસીમાં પોતાના હજારો સમર્થકોને સંબોધિત કરીને કહ્યું, જ્યારે ગોટાળો થયો હોય ત્યારે તમારે હાર સ્વીકારવી ના જાેઈએ, ટ્રમ્પે પોતાના એક કલાક કરતા લાંબા ભાષણમાં દાવો કર્યો કે તેમણે આ ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે.