સત્યનારાયણ ભગવાનની પૂજાનો પ્રસાદ ખાઈને ૮૦ લોકો બીમાર
મુંગેર: બિહારના મુંગેરમાં પ્રસાદ ખાવાથી એક જ ગામના ૮૦ લોકોની તબિયત બગડી ગઈ. મામલો જિલ્લાના ધરહરાના નક્સલ પ્રભાવિત કોઠવા ગામનો છે. અહીં સત્યનારાયણ ભગવાનની પૂજામાં લોકો જાેડાયા હતા. પૂજા બાદ લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. જેને ખાધા બાદ લોકોની તબિયત ખરાબ થવા લાગી અને જાેતજાેતામાં લગભગ ૮૦ લોકોની તબિયત ખરાબ થઈ ગઈ. તમામ ગામ લોકોની ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી.
મામલાની જાણકારી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં પહોંચી અને લોકોની સારવારમાં લાગી ગઈ. મળતી માહિતી મુજબ, કોઠવા ગામના નિવાસી મહેશ કોડાના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત, મહાદલિત અને આદિવાસી સમુદાયના લોકો સામેલ થયા હતા.
પૂજા પૂરી થયા બાદ તમામ લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાતા જ તમામ ગામ લોકોના પેટમાં દુખાવો અને ઉલ્ટી થવાની શરૂ થઈ ગઈ. આ સ્થિતિ જાેઈને સ્થાનિક ડૉક્ટર ને બોલાવીને સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ કેટલાક ગામ લોકોની હાલત બગડતાં ગામ લોકોએ આ વાતની જાણકારી પોલીસ અને ધરહરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી.
મામલાની સૂચના મળતાં જ પોલીસ તાત્કાલિક ધરહરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોની ટીમને લઈ કોઠવા ગામ પહોંચી ગઈ અને તમામ બીમાર લોકોની સારવાર શરૂ કરી દીધી. પ્રસાદ ખાઈને બીમાર પડેલા ૧૫ લોકોની હાલત વધારે ખરાબ થતાં તમામને એમ્બ્યુલન્સથી ધરહરા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તમામ લોકોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.