સનાથલ સર્કલ પાસે ૧૯ લાખનો દારૂ સાથે બે વ્યક્તિઓની ધરપકડ
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સનાથલ સર્કલ પરથી બંધ બોડીના કન્ટેનરમાં પીવીસી મેટના બંડલો નીચે સંતાડેલો ૧૯ લાખ ૪૪ હજારનો ઈંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડીયામાં શહેરના સોલામાંથી રૂ. ૧૭.૪૨ લાખનો અને બગોદરા- લીંબડી હાઈ વે પરથી ૨૨.૯૬ લાખનો દારૂ પકડાયો હતો આમ અઠવાડીયામાં જ શહેર અને જિલ્લામાંથી રૂ.૬૦ લાખનો દારૂ ઝડપાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સનાથલ ગામની સીમની કેનાલ પાસે વોચ ગોઠવી બંધ બોડીના કન્ટેનરમાં સફેદ પ્લાસ્ટિકમાં વીંટેલો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂની ૪,૫૬૦ બોટલો(૩૮૦ પેટી) તથા ૫૦૦ એમ.એલના ૧૨૦૦ બિયર ટીન(૫૦ પેટી) સાથે કુલ ૧૯,૪૪૦૦૦ના દારૂ સાથે કાલુરામ શ્રવણલાલ રાવ (ભિલવાડા, રાજસ્થાન) અને નરેશ કુમાર ફકીરચંદ જાગડા (મહેન્દ્રગઢ, હરિયાણા)ને ઝડપી લેવામાં આવ્યા છે.
આ દારૂના જથ્થામાં પાર્ટી સ્પેશિયલ ડીલક્સ વ્હીસ્કી માર્કાની ૭૫૦ મિ.લીની ૪,૫૬૦ બોટલો તેમજ ૫૦૦ મિ.લીની જીન્સબર્ગ પ્રિમિયમ સ્ટ્રોંગ બિયરના ૧૨ ટીન મળી કુલ રૂ.૧૯,૪૪૦૦૦નો દારૂ તેમજ ઝડતીના નાણાં રૂ.૧૮૦૦, રૂ.૭૦૦૦ના બે મોબાઈલ ફોન, રૂ.૧૦ લાખનું બંધ બોડીનું કન્ટેનર, પીવીસી મેટ તથા નોન વોવન ફેબ્રિક મિલાનના ૭૩ નંગ સહિત રૂ.૫ લાખ ૭૪ હજાર ૨૭૦ મળી કુલ ૩૫ લાખ ૨૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.અને આરોપીઓની ધરપકડ વધુ તપાસ શરૂ કરાઇ છે.