સનાથલ હાઇવે પર વાહનની અડફેટે આવતા મોતની ચર્ચા
અમદાવાદ: અમદાવાદમાં થોડા દિવસ પહેલા દીપડો દેખાયાનું સાંભળવા મળ્યું હતું. ત્યારે રવિવારે મોડી રાતે શહેરના સરખેજ સનાથલ હાઇવે પર મૃતક દીપડો દેખાયો હતો. ચાલતી ચર્ચા પ્રમાણે, આ દીપડાનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું છે. જે બાદ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થઇ ગયા હતા.
સથાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, સરખેજ સનાથલ હાઇવે ઉપર કોઇ ભારે વાહનની ટક્કરે દીપડો આવી જતા તેનું ત્યાં જ મોત નીપજ્યું છે. આ મૃતક દીપડાના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણાં જ શેર થઇ રહ્યાં છે. નોંધનીય છે કે, ૧૭ જાન્યુઆરીનાં રોજ પણ શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં એક મંદિર પાસે દીપડો દેખાયાની આશંકાએ ફફડાટ ફેલાઈ ગયો હતો.
આશરે ૧૫ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં વસ્ત્રાલની સીમમાં એક ખેતરમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે એક દીપડા જેવું પ્રાણી ફરતું જાેવા મળી રહ્યું હતુ. તસવીરમાં પ્રાણી સ્પષ્ટ નથી દેખાતું, પરંતુ લોકોનું કહેવું છે કે, તે દીપડો જ હતો. દરમિયાનમાં વસ્ત્રાલમાં આવેલા ભયજી રાજાજીના ખેતરમાં મંદિર પાસે દીપડાના પગના નિશાન મળી આવતા તે પ્રાણી દીપડો જ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જેને પગલે વન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
તસ્વીર સામે આવ્યા બાદ વન વિભાગે તપાસ કરતા મંદિર નજીકથી પગલાઓ પણ મળી આવ્યા હતા. પંજાની આગળ નખનાં નિશાનો પણ છે જેના કારણે આ કોઇ હિંસક પ્રાણી હોવાનું વન વિભાગ માની રહ્યા હતા. જાેકે, વન વિભાગ કયુ પ્રાણી હોઇ શકે તે અંગે સ્પષ્ટતા કરી નથી.