સપ્ટેમ્બરથી ૧૮ વર્ષથી નાની વયનાઓને વેક્સિન અપાશે
ઝાયડસ કેડિલાએ ટ્રાયલ સમાપ્ત કરી લીધું છે અને હવે રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળવાનો ઈંતેજાર
નવી દિલ્હી, દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા દરમિયાન એક ઘણાં સારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સ્થિત એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનાથી ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ રસી આપવામાં આવશે.
નિષ્ણાંતો ઓગષ્ટથી ઓક્ટોબર દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જાે સપ્ટેમ્બરમાં બાળકોને રસી આપવાની શરુઆત કરવામાં આવશે તો ત્રીજી લહેરને ટાળવામાં મદદ મળી શકે છે.
ડોક્ટર ગુલેરિયાએ આજે એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં બાળકોને રસી આપવાનું કામ શરુ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે ઝાયડસ કેડિલાએ ટ્રાયલ સમાપ્ત કરી લીધું છે અને હવે તેમને રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળવાની રાહ જાેવાની છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ટ્રાયલ પણ ઓગષ્ટ અથવા સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ જશે અને ત્યારસુધી ઝાયડસને મંજૂરી મળી જશે. ફાઈઝર વેક્સિનને અમેરિકાની દવાઓની સંસ્થા એફડીએ તરફથી મંજૂરી મળી ગઈ છે. શક્ય છે કે સપ્ટેમ્બર સુધી અમે બાળકોનું રસીકરણ શરુ કરી દઈશું. સંક્રમણની કડીને તોડવા માટે આ મહત્વનો ર્નિણય સાબિત થશે.
નોંધનીય છે કે યૂરોપિયન યુનિયને શુક્રવારના રોજ ૧૨થી ૧૭ વર્ષ સુધીના બાળકો માટે મોડર્નાની રસીને મંજૂરી આપી દીધી છે. મે મહિનામાં અમેરિકાએ ફાઈઝર-બાયોએનટેકની રસીને ૧૨થી ૧૫ વર્ષના બાળકો માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપી હતી.
એઈમ્સ ડિરેક્ટરે કહ્યું કે, આ વિદેશી રસીથી કામ નહીં ચાલે, માટે આપણે ભારતની રસી પણ જાેઈએ. માટે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા બન્ને મહત્વપૂર્ણ છે. ફાઈઝર વેક્સિનથી પણ મદદ મળશે કારણકે તમામ ડેટા જણાવે છે કે આ બાળકો માટે સુરક્ષિત છે. પરંતુ આપણને જેટલા પ્રમાણમાં રસીની જરુર પડશે તેટલા પ્રમાણમાં સ્ટોક ફાઈઝર ઉપલબ્ધ નહીં કરાવી શકે.