સપ્ટેમ્બર માસથી AMTSની ૭૦૦ બસોનો કાફલો અમદાવાદમાં પૂર્વવત દોડતો થઈ જશે
મ્યુનિ.બસ તંત્ર મહિને ૬ કરોડની આવક ગુમાવી રહ્યુ છેઃ તંત્ર ડચકા ખાતુ હોવાનો સ્વીકાર-પૂર્વની બસ પૂર્વમાં-પશ્ચિમની બસ પશ્ચિમમાં જ દોડાવાઈ રહી હોવાનો અંત આવશે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારીને કારણે મ્યુનિસિપલ શાસકોએ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો પૂર્વમાંથી પશ્ચિમ અને પશ્ચિમમાંથી પૂર્વના વિસ્તારોમાં દોડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો. પરંત શહેરમાં કોરોનાની સ્થિતિ હળવી અને લગભગ પૂર્વવત જેવી બની જતા આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં આ પ્રતિબંધ હટાવી લઈને શહેરી ચારેચાર દિશામાં મ્યુનિસિપલ બસો પુનઃ યથાવત સ્થિતિમાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે.
દેખીતી રીતે જ ગત એપ્રિલમાં શહેરમાં કોરોના સંકટ વકરતા અને લોકડાઉન જાહેર કરવામાં આવતા મ્યુનિસિપલ બસ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અને સ્થિતિ સહેજ સુધરતા ગત જૂન માસમાં આંશિક રીતે એટલે કે પૂર્વની બસો પૂર્વમાં અને પશ્ચિમની બસોના રૂટો પશ્ચિમમાં જ દોડાવવાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જે હાલ રોજ ૩૪પ બસોના કાફલા સાથે દોડી રહ્યો છે. પરંતુ કોરોના સ્થિતિ હળવી બનતા સપ્ટેમ્બર માસમાં કુલ ૭૦૦ બસોના કાફલા સાથેે બસ વ્યવહાર યથાવત થતાં છલ્લા ત્રણ મહિનાથી બસ પ્રવાસીઓને પડી રહેલી મ્યુનિસિપલ બસ સેવાની હાલાકીનો તો અંત આવશે જ, પરંતુ શહેર આખામાં મ્યુનિસિપલ બસના પૈડા દોડતા થતાં શહેરના આઠે આઠ મ્યુનિસિપલ ઝોનના વિસ્તારો પુનઃ ધબકતા થઈ જશે.
પૂર્વના બસ રૂટો પૂર્વમાં અને પશ્ચિમના બસ રૂટો પશ્ચિમમાં દોડાવાઈ રહ્યા હોવા અંગે મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમાર અને મ્યુનિસિપલ ભાજપના શાસકો તથા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના વચ્ચે એક સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાલની બસ સ્થિતિની સમીક્ષા દરમ્યાન શાસકોએ મ્યુનિસિપલ બસ તંત્રને રોજેરોજ સહન કરવી પડતી આર્થિક ખોટ તથા બસ પ્રવાસીઓને વેઠવી પડતી હાલાકીનો ચિતાર રજુ કર્યો હતો.
અને એમ જણાવ્યુ હતુ કે પૂર્વની બસો પૂર્વમાં અને પશ્ચિમની બસો પશ્ચિમમાં દોડાવવા ૩૪પ બસો સંચાલન કરવામાં આવી રહ્યુ છે. જેનો લાભ માત્ર પ૦ હજારથી ૬૦ હજાર મુસાફરો જ લઈ રહ્યા હોવાથી મ્યુનિસિપલ તંત્રને દરરોજ માત્ર રૂા.૪ લાખથી ૪.પ લાખ જેટલી આવક થાય છે. પરિણામે મ્યુનિસિપલ બસ તંત્રને પહેલા રોજ ર૩ થી ર૪ લાખની આવક પ્રાપ્ત થતી હતી એ આવકમાં રૂા.૧૯ થી ર૦ લાખની આવક ગુમાવવી પડી રહી છે. જાે એક મહિનાની આવકનો હિસાબ ગણવામાં આવે તો મ્યુનિસિપલ બસ તંત્રને મહિને રૂા.૬ કરોડથી વધુ આવક ગુમાવવી પડી રહી છે.