Western Times News

Gujarati News

સપ્ટે. માં કોરોનાના એકટીવ કેસો 10 લાખથી વધુ હતા, આજે 2.77 લાખ

પ્રતિકાત્મક

સક્રિય કેસની સરખામણીએ કુલ સાજા થનારાની સંખ્યા 95 લાખ કરતાં વધારે થઇ

સમગ્ર દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી કેસ સંખ્યા અને પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછો મૃત્યુઆંક ધરાવતા દેશોમાં ભારત

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાવાનું સતત ચાલુ જ છે. આજે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,77,301 થઇ ગઇ છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હવે સક્રિય કેસની ટકાવારી માત્ર 2.77% રહી છે.

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 1,389નો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.  છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થઇ રહેલા કેસની સંખ્યા વધારે નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે દેશમાં વધુ 20,021 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે. આટલા જ સમય દરમિયાન દેશમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21,131 નોંધાઇ હોવાથી કુલ સક્રિય કેસનું ભારણ ઘટ્યું છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 98 લાખની નજીક (97,82,669) થઇ ગઇ છે. સાજા થવાનો દર પણ વધીને 95.83% થઇ ગયો છે. દેશમાં સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે આજે 95 લાખથી વધારે (95,05,368) થઇ ગયો છે.

વૈશ્વિક સરખામણી કરવામાં આવે તો, પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી આછી કેસ સંખ્યા (7,397) ધરાવતા દેશોમાં ભારત છે. વૈશ્વિક સરેરાશ આંકડો 10,149 છે. રશિયા, યુકે, ઇટાલી, બ્રાઝિલ, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં પણ પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા વધારે છે. નવા સાજા થયેલા કેસમાંથી 72.99% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સાજા થયા હોવાનું નોંધાયું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 3,463 દર્દીઓ સાજા થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2,124 જ્યારે પશ્ચિમ બંગાળમાં 1,740 દર્દી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 79.61% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાવાનું સતત ચાલુ છે અને અહીં સૌથી વધુ એટલે કે, 4,905 દર્દી નવા સંક્રમિત થયા છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 3,314 અને 1,435 નવા દર્દી નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 279 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

એક દિવસમાં નવા નોંધાયેલા મૃત્યુમાંથી 80.29% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મૃત્યુ (66) નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 29 અને 25 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

ભારતમાં દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક દુનિયામાં સૌથી નીચલા સ્તર (107)માંથી એક છે. દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુઆંક 224 છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.