સપ્તાહના પ્રારંભે રુપિયો ૨૦ પૈસા તૂટી ૭૫.૬૫ પર પહોંચ્યો
મુંબઈ, ક્રૂડ સાત વર્ષની ટોચે પહોંચ્યા બાદ હવે યુક્રેન-રશિયા વચ્ચે વકરી રહેલા વિવાદ અને ફેડની વ્યાજદર વધારવાની ચિંતા વચ્ચે વૈશ્વિક શેરબજાર અને ચલણમાં સોમવારે ભારે તારાજી સર્જાઈ છે. દલાલ સ્ટ્રીટમાં નવા સપ્તાહની શરૂઆત જ ૨%ના કડાકા સાથે થઈ છે અને સાથે-સાથે ભારતીય ચલણ પણ ૨૦ પૈસાના ઘટાડા સાથે ૭૫.૬૫ પર શરૂઆતી સત્રમાં ટ્રેડ કરી રહ્યો છે.
વૈશ્વિક તંગદિલી વધતા અનિશ્ચિત્તાના માહોલમાં સેફહેવન ગણાતા ડોલર અને સોનામાં રોકાણ ખેંચાતા ગ્લોબલ કરન્સી બજાર પર દબાણ છે. આ સિવાય ક્રૂડની મક્કમ ચાલ પણ વૈશ્વિક અર્થજગતને નકારાત્મક અસર પહોંચાડી રહ્યું છે તેમ ફોરેક્સ ટ્રેડર્સોએ જણાવ્યું છે.
રૂપિયો સોમવારે યુએસ ડોલરની સામે ૭૫.૫૩ પર ખુલ્યો હતો અને ગઈકાલના બંધ ભાવથી ૨૦ પૈસા તૂટીને ૭૫.૫૬ સુધી ઘટ્યો છે. આ અગાઉ શુક્રવારે પણ અમેરિકામાં મોંઘવારી દર ૪૦ વર્ષની ટોચે પહોંચતા ફેડ દ્વારા આકસ્મિક અને મોટા વ્યાજદર વધારાની આશંકા અને ભારતમાંથી વિદેશી રોકાણકારોની એક્ઝિટને પગલે સપ્તાહના અંતિમ સત્રમાં ભારતીય ચલણ ૨૧ પૈસાના કડાકે સાત સપ્તાહના તળિયાની નજીક ૭૫.૩૬ પર બંધ આવ્યો હતો.
આ સિવાય સોમવારના શરૂઆતી સેશનમાં બોન્ડમાં પણ દબાણ જાેવા મળ્યું છે. ભારત સરકારના બેંચમાર્ક ૧૦ વર્ષના ૬.૫૪ના બોન્ડની યિલ્ડ ૨ બેસિસ પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહી છે.SSS