Western Times News

Gujarati News

સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિનની ધામધૂમથી ઉજવણી કરાશે

નવીદિલ્હી : જમ્મુ-કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાંથી પસાર થઈ જતાં હવે કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઈ છે. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિનની ધામધૂમથી ઉજવણી કરવા માટેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. અને સમગ્ર રાજ્યમાં ત્રિરંગો લહેરાવવા માટેની વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.

ભારતીય લશ્કરના જવાનોને પણ એલર્ટ કરી દેવાયા છે. અને ગઈકાલે મોટો પડકાર સરળતાથી પાર પાડ્યા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં વિશેષ કામગીરી માટે સરકારે એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. સ્વતંત્રતા દિનની ઉજવણી માટે ગઈકાલ રાતે જ  મહત્ત્વપૂર્ણ  બેઠક લેવાઈ હતી. અને બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વડાપ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ કાશ્મીર જવાના છે. અને ગૃહમંત્રી અમિત શાહ પણ કાશ્મીર જાય એવી સંપુર્ણ શક્યતાઓ છે.

જમ્મુ-કાશ્મીરમાં હવે કેન્દ્ર સરકાર મહત્ત્વપૂર્ણ કામગીરી કરવાની છે ત્યારે સૌ પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય લશ્કરના જવાનો હાલમાં શ્રીનગરમાં પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહયા છે

કેટલાક રાજકીય નેતાઓને પકડી લેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજર્જા પરત લઈ લેવાતા હવે સ્થાનિક નાગરીકો માટે ખાસ પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ખુબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી સ્વતંત્રતા દિનની ઉજવણી દરમ્યાન કેટલાંક મહત્ત્પૂર્ણ જાહેરાત કરવામાં આવે એવું મનાઈ રહ્યુ છે.

પરંતુ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં લશ્કરના જવાનો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને લીધે પાકીસ્તાનમાં ભારે હલચલ મચી જવા પામી છે. તેના પરિણામે સરહદ પર ભારતીય લશ્કરને એલર્ટ કરાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.