સમગ્ર દેશ ટ્રમ્પ પરિવારને જાઈ ખુબ રોમાંચક : મોદી
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોદીએ પણ પોતાનું સંબોધન કર્યું હતું અને અમેરિકા સાથેના ઐતિહાસિક અને મજબૂત સંબંધોની વાત કરી હતી. ભારત માતાની જય બોલીને મોદીએ તેમના ભાષણની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પ હું કહીશ યુએસ ઈન્ડિયા ફ્રેન્ડશીપ તમે કહેજા, લોંગ લીવ લોંગ લીવ સાથે ભાષણની શરૂઆત મોદીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમમાં આજે એક નવો ઇતિહાસ સર્જાયો છે.
ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. પાંચ મહિના પહેલા તેઓએ અમેરિકાની યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી. આજે તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાની શરૂઆત અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ સાથે કરી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, અમેરિકાથી સીધા અહીં પહોંચ્યા છે. આટલી લાંબી મુસાફરી બાદ ભારતમાં ઉતરતાની સાથે જ ટ્રમ્પ તેમના પરિવાર સાથે સીધા સાબરમતી આશ્રમ આવ્યા છે અને પછી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમે તેમનું ભવ્ય સ્વાગત કરીએ છીએ.
ટ્રમ્પ તેમના પત્નિ મેલેનિયા ટ્રમ્પ, પુત્રી ઇવાન્કા અને જમાઈ જરેદની સાથે અહીં પહોંચ્યા છે જે દર્શાવે છે કે, ભારત અને અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવી મિઠાસ મળી રહી છે. ઘનિષ્ઠતાની ઓળખ જાવા મળી રહી છે. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો માત્ર સામાન્ય ભાગીદારી નથી પરંતુ તેના કરતા પણ વિશેષ અને ઘનિષ્ઠ છે. આ કાર્યક્રમનું નામ નમસ્તે રાખવામાં આવ્યું છે. તેનો અર્થ પણ ઘણો ઉંડો છે. વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક સંસ્કૃતનો આ શબ્દ છે. નમસ્તેનો ભાવ છે કે, માત્ર વ્યક્તિ જ નહીં
પરંતુ તેની અંદર વ્યાપ્ત દિવ્યતાને પણ અમે નમન કરીએ છીએ. આટલા ભવ્ય કાર્યક્રમ માટે ગુજરાતમાં રહેતા લોકો અને બહારના લોકોનો આભાર માને છે. મોદીએ ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્ચે એક નવા પ્રકરણની શરૂઆત થઇ રહી છે. લોકોના વિકાસ માટે નવા દસ્તાવેજની શરૂઆત થઇ રહી છે. સ્વસ્થ અને અમીર અમેરિકા માટે ફર્સ્ટ લેડી મેલેનિયાએ ઉલ્લેખનીય કામગીરી અદા કરી છે તેના સારા પરિણામ મળી રહ્યા છે.
સમાજમાં બાળકો માટે જે કામ થઇ રહ્યા છે તે પ્રશંસાપાત્ર છે જ્યારે મેલેનિયા ટ્રમ્પ કહે છે બી બેસ્ટ ત્યારે આજના સ્વાગત સમારોહમાં લોકોની ભાવના આમા પ્રગટ થાય છે. ઇવાન્કા બે વર્ષ પહેલા ભારત આવ્યા હતા તે વખતે ઇવાન્કાએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તે ફરી ભારત આવવા ઇચ્છુક છે. આજે ઇવાન્કાની હાજરીથી અમને ખુશી થઇ રહી છે. ઇવાન્કાના પતિ જરેડ કુશનરની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, જરેડ લાઈફટાઈમથી દૂર રહીને પોતાના કામ કરે છે.
વડાપ્રધાને ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે, મિસ્ટર ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં આપનું સ્વાગત છે. અમે અહીં ગુજરાતમાં છીએ પરંતુ સમગ્ર દેશ જાઈને ઉત્સાહિત છે. મોદીએ તેમના ભાષણની પૂર્ણાહૂતિ પણ ભારત માતા કી જયના સંબોધન સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે ટ્રમ્પ પરિવાર જે ભુમિ પર છે તે ભૂમિ પર પાંચ હજાર વર્ષ જુનુ શહેર ધોળાવિરા રહ્યું છે તેટલું જ જુનુ લોથલ બંદર પણ છે. આજે ટ્રમ્પ જે ભૂમિ પર છે તે સાબરમતીના નદીના તટ પર ભારતની સ્વતંત્રતામાં ખાસ મહત્વ રહેલું છે. આજે ટ્રમ્પ જે ભૂમિ પર છે તે ભૂમિ સેંકડો ભાષાઓ બોલે છે. સેંકડો પ્રકારના પહેરવેશો ધરાવે છે.