સમગ્ર ભરૂચ જીલ્લા મહેસુલ વિસ્તારમાં COVID-19 ફેલાવો અટકાવવા જાહેરહિતમાં કેટલાક નિયંત્રણો મુકાયા
ભરૂચ: હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે જે જોતા ભરૂચ જીલ્લામાં પણ કોરોના વાયરસનો ફેલાવો થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી.કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ ધ્વારા, ડ્રોપલેટ ધ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તિ રહેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના પગલાંરૂપે ભરૂચ જિલ્લામાં કોઈ એક જગ્યા ઉપર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાતકાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ / સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ/સેમિનાર/કોન્ફરન્સો તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી મોકુફ રાખવા આથી જણાવવામાં આવેલ છે.
આમ નાગરિકોને પણ આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે સામૂહિક / સામાજીક મેળાવડાઓના નાનાં-મોટા પ્રસંગો ટાળવા / મોકુફ રાખવા અપીલ કરવામાં આવે છે તેમજ સદર નોવેલ કોરોના વાયરસ(COVID-19) ફેલાવો અટકાવવા માટે જાહેરહિતમાં કેટલાંક નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ એક્ટ-૧૯૫૧ ની કલમ-૧૪૩ તથા એપેડેમિક એક્ટ – ૧૮૯૭ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર વિભાગના નોટીફિકેશન નં.જી.પી/૯/એનસીવી/૧૦૨૦૨૦/ એસએફ-૧/જી તા.૧૩/૦૩/૨૦૨૦ અન્વયે મળે સત્તાની રૂએ,
(૧) સમગ્ર ભરૂચ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર, કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોક મેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહિં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહિં તેમજ કોઈ પણ જગ્યાએ કોઈપણ હેતુ – પ્રસંગ માટે પ(પાંચ) વ્યક્તિ કે તેનાથી વધુ વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારીની પરવાનગી વગર એકત્રિત થવું નહિં.
(૨) ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ – ફરસાણની દુકાન, ભોજનાલય, વિગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવાના રહેશે તેમજ સમૂહ ભોજન સમારંભના સ્થળે ભાગ લેનાર લોકો ભોજન પહેલાં હાથની યોગ્ય સફાઈ કરી શકે તે માટે સાબુ, પાણી, હેન્ડસેનિટાઈઝર તથા માસ્ક સહિતની આનુસંગિક વ્યવસ્થા કરવાની રહેશે.
(૩) શાકભાજી/ફળફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરી વેચાણ ન કરવું તેમજ એકજ સમયે અને એકજ જગ્યાએ પ(પાંચ) કરતાં વધુ માણસો એકઠા ન થાય તેની તકેદારી રાખવાનઈ રહેશે.
(૪) ખાનગી સ્થળોએ જેવા કે, મોલ, મલ્ટીપ્લેક્ષ , સિનેમાગૃહ, નાટ્યગૃહ, કલબ હાઉસ, લગ્ન હોલ, પાર્ટીપ્લોટ, જીમ્નેસીયમ, ઓડીટોરીયમ, એમ્યુઝમેન પાર્ક, વોટર પાર્ક, સ્વીમીંગ પુલ, ગેમઝોન, રીક્રીએશનલ કલબ, તથા ડાન્સ ક્લાસીસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો બંધ રાખવા.
(૫) તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., પોલિટેકનિક, ખાનગી ટ્યુશન / કોચીન ક્લાસીસ, આંગણવાડી, શિક્ષણ વિભાગની સુચના અનુસાર બંધ રાખવી.
(૬) કોઈ પણ વ્યક્તિને નોવેલ કોરોના વાયરસ(COVID-19) ની બિમારી થયાનું જણાય તો તેવા દર્દીના કુટુંબીજનો અથવા તેમની દેખરેખ રાખતાં વ્યક્તિએ દર્દીની સંપૂર્ણ વિગતો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ કે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને તાત્કાલિક જાણ કરવાની રહેશે અથવા હેલ્પલાઈન નં.૧૦૪ અથવા જિલ્લાનો આરોગ્ય કંન્ટ્રોલરૂમ નં.૦૨૬૪૨-૨૫૨૪૭૨ પર સંપર્ક કરવો.
(૭) કોઈ પણ વ્યક્તિ / સંસ્થાએ નોવોલ કોરોના વાયરસ (COVID-19) ની બિમારી બાબતે પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા મારફત ખોટી માહિતી કે અફવા ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરૂદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(૮) કોઈ પણ વ્યક્તિ કે જે નોવોલ કોરોના વાયરસ(COVID-19)ની બિમારીનો પોઝીટીવ કેસ નોંધાયેલ હોય તેવા વિસ્તાર / દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરી આવેલ હોય તેને નજીકની સરકારી હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક જાણ કરવાની રહેશે.
આ જાહેરનામુ સમગ્ર ભરૂચ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ તા.૨૦/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.આ હુકમ સરકારી ફરજ – કામગીરી ઉપરના પોલીસ સહિતના કર્મચારી – અધિકારીઓને લાગુ પડશે નહિં. સરકારશ્રી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી જાહેરહિતમાં કરવામાં આવતાં કોઈ પણ કાર્યક્રમો તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિં. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ – ૧૩૯ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતાં તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ ક્રરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે એક જાહેરનામા ધ્વારા જણાવેલ છે.