સમગ્ર રાજયમાં મેઘરાજાની પધરામણી
(પ્રતિનિધિ) અમદાવાદ: એક સપ્તાહના વિરામ પછી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું સાર્વત્રિક આગમન થયુ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નૈત્રત્યના ચોમાસાએ જમાવટ કરતા વાવણી કરીને ચાતક નજરે વરસાદની રાહ જાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે આજે સવારથી જ અમદાવાદ સહિત રાજયભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અમુક સ્થળોએ તો મીની વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું જયારે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદમાં સવારના આકાશમાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા હતા અને પવન ફૂંકાવાની શરૂઆત થતા શહેરીજનોની મેઘરાજાની પધરામણીની આશા જીવંત થઈ હતી. જાકે ધીમેધીમે ગોતા, ચાંદલોડિયા, એસ.જી.હાઈવે, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થતા ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અમદાવાદના વાતાવરણમાં સવારથી પલ્ટો આવ્યો હતો અને ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી જેના પગલે અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
દરમિયાનમાં રાજયભરના વાતાવરણમાં સવારથી જ પલ્ટો આવ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ હતી રાજયના અનેક જીલ્લાઓમાં તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. સાબરકાંઠા પંથકમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે ભારે તોફાની પવન સાથે મીની વાવાઝોડુ સર્જાયુ હતુ તેવી જ રીતે પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, ઉંઝા સહિત સ્થળોએ સવારથી જ ધીમીધારે વરસાદ થયો હતો.
મોડાસામાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી સહિતના પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ચોમાસાએ સૌરાષ્ટ્ર પંથકમાં પુનઃ જમાવટ કરી દીધી છે તો મધ્ય ગુજરાતના ખેડા, નડિયાદ વડોદરા સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ છે તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના સ્થળોએ આકાશમાંથી કાચુ સોનું વરસી રહયુ છે.
એક સપ્તાહના વિરામ પછી સમગ્ર રાજયમાં મેઘરાજાની પધરામણી થતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે એક અઠવાડિયા પહેલા વરસાદની શરૂઆત થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી ત્યાર પછી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થયા હતા. પરંતુ આજે સવારથી મેઘરાજાની પુનઃ પધરામણી થતા ખેડૂતો ખેતીના કામમાં જાડાઈ ગયા છે.
બીજી તરફ હવામાન વિભાગ તરફથી આગામી બે-ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરાઈ હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નૈત્રુત્યના ચોમાસાએ દેશભરમાં જમાવટ કરી દીધી છે તેના પગલે ગુજરાતમાં સવારથી જ વાતાવરણ પલ્ટાતા મેઘરાજાની પધરામણી થઈ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયુ છે.