Western Times News

Gujarati News

સમગ્ર રાજ્યમાં જુલાઇના પ્રથમ સપ્તાહથી ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસી અપાશે

પ્રતિકાત્મક

ગાંધીનગર: ગુજરાત સરકારે મગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડિયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરુઆત થઇ શકે છે, આથી રાજ્યમાં ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરુ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર ૧૦ શહેરો અને જિલ્લાઓમાં જ ૧૮થી ૪૫ વર્ષના લોકો માટે રસીકરણ ચાલી રહ્યું છે.

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂનના બીજા સપ્તાહ બાદ ગુજરાતને નિયમિત રીતે રસીનો જથ્થો વધુ પ્રમાણમાં મળતો થશે, પછી રસીની ખેંચ ઘણી ઓછી થશે. હાલ આ ઉંમરના લોકો માટે એક સપ્તાહમાં સાતથી દસ લાખ જેટલા ડોઝની સરેરાશથી જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો છે, જે આવનારા સમયમાં બમણાથી વધુ થશે, તેથી રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે.

આ ઉપરાંત ગુજરાતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ ઉપરાંત બીજી રસીઓ મળવાની શરુઆત પણ એ દરમિયાન થઇ શકે છે, જેથી રસીકરણ વધુ તેજ બનાવી શકાશે. હાલ ગુજરાત સરકાર દૈનિક ૧ લાખ લોકોને રસી આપવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે અને જાે વધુ ડ઼ોઝ મળતા થાય તો તે સરેરાશ ૩થી ૪ લાખ સુધી લઇ જઇ શકાય.

હાલના તબક્કે ગુજરાત સરકારે ચાર ખાનગી હોસ્પિટલો દ્વારા પેઇડ રસીકરણની મંજૂરી આપી છે. હજુ સરકાર આ માટે વધુ હોસ્પિટલોને નિયુક્ત કરવા વિચારી રહી છે, જેથી કરીને સરકારી રસીકરણ પરનું ભારણ ઓછું થશે અને વધુ ઝડપથી વધુ લોકો રસી લઇ શકશે. ગ્રામીણ વિસ્તારોમાં પેઇડ રસીકરણ કરવું મુશ્કેલ હોવાથી ત્યાં સરકારી ધોરણે વિનામૂલ્યે રસીકરણ જ થશે, જ્યારે શહેરોમાં પણ નિઃશુલ્ક રસીકરણ યથાવત્‌ જ રહેશે.

જુલાઇ મહિનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં ૧૮થી ૪૫ વર્ષના લોકો માટે રસીકરણ શરુ થાય તો ત્રણ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં ૫૦ ટકા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. ત્રીજી સંભવિત લહેર આગામી ઓક્ટોબર મહિના દરમિયાન આવી શકે છે એવી ચેતવણી જાેતાં સપ્ટેમ્બર માસ સુધીમાં આટલું રસીકરણ થઇ જાય તો એની વિપરીત અસરો ઓછી પડી શકે છે.

જાેકે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં એટલે કે ચાલુ વર્ષના અંતે ગુજરાતમાં રસીકરણ સંપૂર્ણ થઇ ગયું હશે એવું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ જૂન મહિનાથી કોવિશીલ્ડ રસીના ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરશે અને એનો પુરવઠો પણ પૂરો પાડશે. કંપની આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

મે મહિનામાં કંપનીએ ૬.૫ કરોડ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. જૂન મહિનાથી ૧૦ કરોડ ડોઝ બનાવાશે. કંપનીએ જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ આ માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે અને સરકાર તરફથી તેમને મહત્ત્વનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ કારણે ભારત કોરોના વેક્સિન મામલે આર્ત્મનિભર થયું છે. કંપનીના ડાયરેક્ટર પ્રકાશકુમાર સિંહે શાહને પત્ર લખ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.