Western Times News

Gujarati News

સમરસ કોવિડ હોસ્પિટલથી વધુ એક કોરોનાનો દર્દી ગુમ

બીજા પોઝિટિવ દર્દી ગુમ થતા હોસ્પિટલતંત્ર ધંધે લાગ્યું છે
અમદાવાદ,  સમરસ કોવિડ કેર સેન્ટરમાંથી દર્દીઓના ગુમ થવાનો સિલસિલો જારી રહેતા દોડધામ મચી ગઇ છે. ૧૨ દિવસ અગાઉ ફરાર કોરોના પોઝિટિવ દર્દી બે દિવસમાં પરત ફર્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજા કોરોના પોઝિટિવ દર્દી ગુમ થઈ જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું છે. સમરસ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓના ફરાર થવાની ઘટનાઓને પગલે સંક્રમણ ફેલાય તો કોણ જવાબદાર તે મુદ્દો ઉઠયો છે.

સમરસ કોવિડ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડા. હર્ષકુમાર સુરેન્દ્રભાઈ પટેલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મેઘાણીનગરના કહારનાથ નગરમાં રહેતાં પ્રકાશ કનૈયાલાલ પટણી (ઉં.૩૦ વર્ષ)ની તબિયત લથડતાં કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. ગત તારીખ ૧ જૂનના રોજ પ્રકાશનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે બે દિવસ બાદ સમરસ કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પ્રકાશની સારવાર ચાલી રહી હતી, ત્યારે મંગળવારે સાંજે નર્સ તેજલબેન રાઉન્ડમાં હતા.

આ દરમિયાન પ્રકાશ તેના રૂમમાં કે બેડ પર જોવા મળ્યો ન હતો. આથી તેજલબહેને ફરિયાદીને જાણ કરી હતી. પ્રકાશના ફોન પર કોલ કરતા ફોન બંધ હતો. તેના સગાને ફોન કરતા તેવોએ પ્રકાશનો કોઈ પતો ન હોવાનું જણાવ્યું હતું. આખરે હોસ્પિટલ સ્ટાફે પ્રકાશ વિરુદ્ધ ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, સમરસ હોસ્પિટલમાંથી આજ રીતે ૧૨ દિવસ અગાઉ ગત તારીખ ૨૮મી મેના રોજ બાપુનગર ગરીબનગરમાં રહેતો મહંમદ સમીર અંસારી નામનો કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હતો. જે બે દિવસ બાદ પરત હોસ્પિટલમાં ફર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.