સમાચાર જગત માટે 5 W મહત્વના છે. Who, What, When, Where, Why – મુખ્યમંત્રી
અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલનો પ્રારંભ.
અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સિદ્ધિ મીડિયા ગ્રુપ સંચાલિત ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાચાર જગત માટે 5 W મહત્વના છે. Who, What, When, Where, Why. વધુમાં મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે, આજની હરીફાઈ એ બ્રેકીંગ સમાચારની છે, પણ બ્રેકીંગ સમાચારની દોડ માં કોઈને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાચાર જગત માટે 3T એટલે કે Truth, Transparency, Technology પણ મહત્વના છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતને વિકાસની દોડમા અવલ બનાવ્યું છે એ ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, હતું અને રહેશે.
આપણા ગુજરાતને એ ઊંચાઈ પર બરકરાર રાખવા મીડિયાનો સહયોગ પણ અનિવાર્ય છે અને રહેશે એવો મને વિશ્વાસ છે.
આ પ્રસંગે રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત તો પહેલેથી ફર્સ્ટ જ છે, ચેનલ પણ આવનારા દિવસોમાં ફર્સ્ટ થાય એવી શુભકામના. વધુમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાસન વ્યવસ્થામાં કંઈ ભૂલ થાય તો મીડિયા તેનું સકારાત્મક અભિગમથી ધ્યાન દોરે તે જરૂરી છે પરંતુ રાજયના પ્રજાલક્ષી નિર્ણયો અને રાજ્યની જનતાની સુખકારી માટે લીધેલા નિર્ણયો લોકો સુધી પહોંચે એ માટે તમામ મીડિયા હાઉસ મક્કમતાથી સહયોગી બને.
આ પ્રસંગે રાજયસભાના સાંસદશ્રી નરહરિભાઈ અમીન, શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, મેયરશ્રી કિરીટભાઈ પરમાર, પોલીસ કમિશ્નરશ્રી સંજયશ્રી વાસ્તવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, સિદ્ધિ મીડિયા ગ્રુપના ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલ, ચેનલના એડિટરશ્રી દીપકભાઈ રાજાણી તથા વરિષ્ઠ પત્રકારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.