સમાજસેવી સંસ્થાઓની પહેલ : ભરૂચના કોવિડ ૧૯ સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર ગોબર સ્ટીક થી કરાશે
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આ વખતે કોરોના કાળમાં વચ્ચે ભરૂચમાં વૈદિક હોળી પ્રત્યે લોકો નો ઝુકાવ જોવા મળ્યો હતો.ત્યારે કોવિડ સ્મશાન માં હવેથી મૃતદેહ ના અંતિમ સંસ્કાર ગોબર સ્ટીક થી કરવામાં આવશે જે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે.
નર્મદાના પાવન તટે સ્પેશિયલ કોવિડ સ્મશાન માં કોરોનાની બીજી લહેર માં રોજેરોજ કોવિડગ્રસ્ત મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં કોવિડ કે અન્ય કોઈપણ સ્મશાન માં લાકડા થી અગ્નિસંસ્કાર કરવામાં આવતા હોય છે.
બીજી બાજુ આજે પણ કેટલાક ગામોમાં ગોબરના છાણાનો ઉપયોગ પણ થતો હોય છે.પરંતુ પ્રથમ વખત ભરૂચના ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલ કોવિડ સ્મશાનમાં ઈકો ફ્રેડલી ગોબર સ્ટીક થી હવે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જેમાં ગાયના ગોબર અને અન્ય ઔષધિઓ થી તૈયાર થતી ગોબર સ્ટીક નો ઉપયોગ કરવામાં આવશે.આ માટે ભરૂચની વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી ને ગોબર સ્ટીક ની વ્યવસ્થા કરી રહી છે.આજરોજ સ્વામી મુકતાનંદ અને અન્યો એ કોવિડ સ્મશાન ખાતે પ્રથમ બે ટનનો ગોબર સ્ટીક નો જથ્થો સંચાલક ધર્મેશ સોલંકી અને તેમની ટીમને અર્પણ કર્યો હતો.
કોવિડ મૃતદેહ ના અંતિમ સંસ્કાર ગોબર સ્ટીક થી કરવાથી એક મૃતદેહ માં સરેરાશ ૧૨ મણ લાકડા ની જરૂર સામાન્ય રીતે પડતી હોય છે અને હાલ માં સરેરાશ રોજ ના ૧૦ મૃતદેહ ના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.તે જોતા ૧૨૦ મણ લાકડા ની રોજની જરૂરત રહે જેની બચત થશે તે સાથે કોરોનાનો નાશ પણ થતો હોવાની માન્યતાઓ રહેલી છે.સાથો સાથ ગૌ સંવર્ધન ને પ્રોત્સાહન મળવા સાથે લાકડા માટે વૃક્ષછેદન પણ ઓછું થતા પર્યાવરણ જાળવણી માં મદદ મળશે. આમ ભરૂચ ના કોવિડ સ્મશાનની આ પહેલ અન્ય સ્માશન માં પણ અપનાવાય તો ગૌ સંવર્ધન ને પ્રોત્સાહન મળવા સાથે પર્યાવરણ જાળવણી પણ થઈ શકશે.