સમાધાન માટે યુવકને બોલાવી પાડોશીઓએ હત્યા કરીઃ ખાડો ખોદીને લાશને દાટી દીધી

(એજન્સી)અમદાવાદ, ચાંદલોડીયાના રણછોડનગરમાં રહેતા યુવકને પાડોશી સાથે તકરાર ચાલતી હતી. અવારનવાર થતાં ઝઘડાનું મનદુઃખ ન રહે તે માટે સમાધાન કરવા પાડોશીઓએ યુવકને ચાંદલોડીયા રેલવે ટ્રેક પાસેના ગરનાળા પાસે બોલાવ્યો હતો.
જયાં બોલાચાલી બાદ મામલો વધુ બિચકતા દંપતી સહીત છ લોકોએ યુવકની હત્યા કરી નાખી હતી. લાકડી અને ધારીયા જેવા હથીયારોના ફટકા મારીને યુવકની હત્યા કરીને લાશ દાટી દીધી હતી. યુવકના ગુમ થવા બાબતે સોલા પોલીસે કરેલી તપાસમાં હત્યાનો ઘટસ્ફોટ થતા તમામ આરોપીઓની અટકાયત કરાઈ છે.
ચાંદલોડીયા રણછોડનગરમાં રહેતા પ્રતીભાબેન તેમના પતી ૪૦ વર્ષીય કમલેશભાઈ તિવારી ગુમ થવા બાબતે તા.૧૯મીએ સોલા પોલીસને જાણ કરી હતી. પ્રતીભાબેને તેમના પાડોશીઓ સાથે ઝઘડા ચાલતા હોવા બાબતે પણ પોલીસને જાણ કરી હતી. જેથી સોલા પોલીસ કમલેશભાઈની શોધખોળ કરી રહી હતી.
બીજીબાજુ પોલીસે પાડોશી એવા શંકાસ્પદ લોકોની પણ પુછપરછ હાથ ધરી હતી. ત્યારે આ તમામ લોકોની પુછપરછ દરમ્યાન કમલેશભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું કે કમલેશભાઈને લાંબા સમયથી તેમના ઘર પાસે રહેતા મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ સાથે પાણી ઢોળવા જેવી અનેક બાબતો પર ઝઘડા થતા હતા.
જે ઝઘડાનો અંત લાવવા માટે સમાધાન કરવા કમલેશભાઈને ચાંદલોડીયા રેલવે ટ્રેકના ગરનાળા પાસે બોલાવ્યા હતા. જયાં મહાવીર અને તેની પત્ની તથા અતુલ પટેલ, ઋષભ સાવરીયા, સુનીલ ઠાકોર તથા ગરનારામ બાવરી સહીતના લોકો પણ હાજર હતા. આ તમામ લોકો સમાધાનની જગ્યાએ બોલાચાલી કરતા મામલો બીચકયો હતો.
જેથી તમામ લોકોએ તા.૧૮મીએ સાંજે કમલેશભાઈ પર લાકડીઓ અને ધારીયા વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપીઓએ કમલેશભાઈની લાશને રેલવે ટ્રેક પાસે ખાડો ખોદીને દાટી દીધી હતી. જેથી સોલા પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરીને ખાડો ખોદીને લાશ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે.