સમીર વાનખેડે સામે તપાસ નહીં થાય: દિલીપ પાટીલ
મુંબઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના (એનસીબી) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ખંડણી માટે દુબઈની મુલાકાત લીધી હોવાના મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના દાવા પર રાજ્યના ગૃહમત્રી દિલીપ વસલે પાટીલે ગુરુવારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમીર વાનખેડેની તપાસ કરે નહીં કારણ કે તેઓ સેન્ટ્રલ એજન્સી માટે કામ કરી રહ્યા છે. ગૃહમંત્રીએ આગળ કહ્યું હતું કે, મલિકે આ અંગે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ પુરાવા આપ્યા નથી.
‘રાજ્ય સરકાર દ્વારા તપાસનો સવાલ જ થતો નથી. કારણ કે, સમીર વાનખેડે સેન્ટ્રલ એજન્સી માટે કામ કરી રહ્યા છે. તેમના (નવાબ મલિક) નિવેદન અંગે મારી પાસે કોઈ પુરાવા નથી. હું તેમની પાસેથી માહિતી લઈશ. હાલ તો મારી પાસે કોઈ માહિતી નથી’, તેમ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં પાટીલે કહ્યું હતું.
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, વાનખેડેએ માલદીવ્સ અને દુબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી પૈસા વસૂલ્યા હતા. ‘કોરોના દરમિયાન જ્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માલદીવ્સમાં હતી ત્યારે અધિકારી અને તેમનો પરિવાર પણ ત્યાં હતા.
સમીર વાનખેડેએ તેમની દુબઈ અને માલદીવ્સની મુલાકાત વિશે જણાવવું પડશે. અમને ખાતરી છે કે માલદીવ્સ અને દુબઈમાં ખંડણી વસૂલી હશે. હું ખૂબ જલ્દી તમને તસવીરો આપીશ’, તેમ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતાએ રિપોર્ટ્સને કહ્યું હતું. આ દરમિયાન એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ અશોક જૈને વાનખેડે પર લાગેલા તમામ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે એજન્સીના ઝોનલ ડિરેક્ટર દુબઈ ગયા હોય તેવી કોઈ અરજી તેમને મળી નથી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, સમીર વાનખેડ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ લોન બેસિસ પર એનસીબી સાથે જાેડાયા હતા. તે બાદ તેઓ દુબઈ ગયા હોવાની કોઈ અરજી મળી નથી. સત્તાધીશોની મંજૂરી મુજબ તેમણે પરિવાર સાથે માલદીવ્સ જવાની રજા લીધી હતી. નોંધનીય છે કે, નવાબ મલિકના જમાઈ સમીર ખાનની આ વર્ષની ૧૩ જાન્યુઆરીએ ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.SSS