સમૂહ લગ્નના નામે છેતરપિંડીઃ 113 યુગલ પાસેથી 25 લાખ ખંખેરી લીધા

(એજન્સી) અમદાવાદ, સમૂહ લગ્ન કરાવવાનું તેમજ કરિયાવર પેટે સામાન આપવાની લાલચ આપીને ગઠિયાએ ૧૧૩ યુગલ પાસે રજિસ્ટ્રેશન કરાવવાના બહાને ર૪.૮૬ લાખ રૂપિયા પડાવી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સમૂહ લગ્નની તારીખ ર૭ મેના રોજ નક્કી થઈ હતી. ત્યારે એક યુવકે ગઈકાલે કોર્પોરેશન પ્લોટ પર જઈને તપાસ કરતાં ભાંડો ફૂટયો હતો.
પ્લોટમાં કોઈ તૈયારી થતી ન હોવાથી યુવકને શંકા ગઈ હતી. જેથી તેણે તપાસ કરી હતી. ઓઢવ વિસ્તારમાં આવેલા આશીર્વાદ સિટીમાં રહેતાં પંકજ વાઘેલાએ પ્રકાશ પરમાર (રહે.ભારતીનગર, અમરાઈવાડી) વિરૂદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં રૂ.ર૪.૮૬ લાખના ચીટિંગની ફરિયાદ કરી છે. પંકજ વાઘેલાએ ગત વર્ષે કોમલ રજક સાથે પ્રેમલગ્ન કયા છે.
દોઢ મહિના પહેલાં પંકજ વાઘેલાને તેના મિત્રએ એક પેમ્ફલેટ આપ્યું હતું જે હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટનું હતું. પેમ્ફલેટ સમૂહ લગ્ન માટેનું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે યુગલોના લગ્ન થઈ ગયા છે. પરંતુ તેમના લગ્ન હિન્દુ ધર્મ મુજબ શાસ્ત્રોકત વિધિથી નથી થયા તે પણ જોડાઈ શકે છે. પંકજે પેમ્ફલેટમાં દર્શાવેલ નંબર પર ફોન કર્યો હતો.
સમૂહ લગ્નનું આયોજન કરનાર પ્રકાશ પરમાર હતો જેણે પંકજ સાથે વાત કરી હતી. પ્રકાશ પરમારે અમરાઈવાડી પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલી ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરવાની જાણ પંકજને કરી હતી. પંકજે જઈને તપાસ કરી તો તેને જાણવા મળ્યું હતું કે ર૭ મેના રોજ સમૂહ લગ્ન થવાના છે. જેમાં ૧૧ર યુગલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
પંકજને સમૂહ લગ્નમાં કરિયાવરનો સામાન આપવા માટેનું પણ જણાવવામાં આવ્યું હતું. પંકજને વિશ્વાસ આવી જતાં તેણે રર હજાર રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું. રજિસ્ટ્રેશન બાદ પંકજને સમૂહ લગ્નની પત્રિકા પણ આપી હતી જેમાં લગ્નનું સ્થળ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ઓપન પ્લોટનું હતું. ગઈકાલે પંકજે કોર્પોરેશનના પ્લોટમાં જઈને તપાસ કરી તો કોઈપણ પ્રકારની તૈયારી હતી નહીં જેથી તેણે ભરત જ પ્રકાશ વાઘેલાને ફોન કર્યો હતો.
જો કે, ફોન બંધ હતો. બાદમાં પંકજ અમરાઈવાડી ખાતે આવેલી ઓફિસમાં ગયો હતો પ્રકાશ તાળું મારીને જતો રહ્યો હતો. પંકજ સહિતના લોકો સાથે ચીંટિંગ થતાં અંતે તેણે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે. સમૂહ લગ્ન કરાવવાની લાલચ આપીને પ્રકાશે ૧૧૩ યુગલ પાસેથી ર૪.૮૬ જેટલી રકમ લઈ લીધી છે. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રકાશ પરમાર વિરૂદ્ધ આવનારા દિવસોમાં બીજી પણ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.