સયાજી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય સેવકો ની મહેનત રંગ લાવી રહી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/ssg1-1024x768.jpeg)
કાળા વાદળ ની રૂપેરી કોર: આત્મ વિશ્વાસ દર્દીઓને સાજા થવામાં મદદરૂપ બને છે…
વડોદરા, સમય ચોક્કસ કટોકટી નો કાળા ડીબાંગ વાદળ જેવો છે.પરંતુ હજારો નિરાશાઓ માં એક અમર આશા છુપાયેલી હોય છે.દરેક કાળા વાદળ ને એક રૂપેરી કોર જરૂર હોય છે.
આ કહેવતો સયાજી હોસ્પિટલમાં સમર્પિત તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પુરવાર કરવામાં આવી રહી છે.કોરોના હઠીલો છે તો રોગીઓને સાજા કરવાની આ લોકોની પણ જીદ છે.જેના લીધે દર્દીઓમાં રોગમુક્ત થવાનો વિશ્વાસ બંધાય છે અને ધીરજ પૂર્વકની સારવાર થી તેઓ કોરોના ને હરાવી રહ્યાં છે.
આ વખત નો કોરોના થોડો અઘરો છે,દર્દીઓ થી દવાખાનું ભરેલું છે,તેમ છતાં શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપવાના ધ્યેય અને લોકો ને રોગ મુક્ત કરવાના લક્ષ્ય સાથે ટીમ સયાજી સતત કાર્યરત છે તેવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે કટોકટીના સંજોગોમાં ઉમદા સારવાર ની પરંપરા જાળવવાના અમારા પ્રયત્નો ને પરમાત્મા સારું પરિણામ આપી રહ્યો છે .જ્યારે કોઈ દર્દી સાજો થાય છે ત્યારે અમને મોટું ઈનામ મળ્યાની લાગણી થાય છે.દર્દીઓના સકારાત્મક પ્રતિભાવો અમને પ્રોત્સાહિત કરે છે.
જેમકે વાસણા રોડના પ્રેમસિંગ સોની કહે છે કે મને તબીબો અને સ્ટાફે દિવસ રાત સમયે સમયે જરૂરી દવાઓ આપી છે. બઢીયા લગ રહા હૈ,ટ્રીટમેન્ટ બહુત અચ્છા હુઆ…આ એમના ઉદગારો છે.લગભગ 15 દિવસની સઘન સારવાર થી તેઓ સ્વસ્થતા અનુભવી રહ્યાં છે. તો માંજલપુર ના ચંદ્રેશ વૈદ્ય 8 મી એપ્રીલ ના રોજ દાખલ થયાં હતાં.તેઓ કહે છે કે હવે મારી તબિયત સારી છે,ડોકટર થી લઈને બધી સારી સુવિધાઓ છે.
નીતા શાહ કોરોના પોઝિટિવ આવતા નવમી એપ્રિલે દાખલ થયાં હતાં.હવે તબિયત ખૂબ સુધરી છે.તેઓ પણ કહે છે કે સારવાર સારી મળી છે. અન્ય એક દર્દી આનંદીબેન પટેલ એમની સાજગી થી આનંદિત થયાં છે.તેઓ કહે છે કે બધું મટી ગયું છે.સુગર વુગર બધું કંપ્લિટ થઈ ગયું છે.
માંજલપુર ના કોકિલાબેન પ્રજાપતિએ દશેક દિવસની સારવાર પૂરી કરી છે.તેઓ કહે છે હવે બધું સારું થઈ ગયું છે.ટ્રીટમેન્ટ બહુ સરસ છે. સયાજી હોસ્પિટલ ની આખી ટીમ ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ છેલ્લા સવા વર્ષ થી સતત કોરોના સારવારમાં વ્યસ્ત છે.જેના પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે.
ખુશીના સમાચાર: સયાજી હોસ્પિટલ માં સાજા થયેલા 6 દર્દીઓને રજા આપવામાં આવી..
કોવિડ સામે ની તબીબી લડાઈ માં તબીબો સહિત સમગ્ર ટીમ સયાજી ને પ્રોત્સાહક સફળતા મળી રહી છે.વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું કે બીમારી ના આ બીજા દૌર માં આજે પ્રથમવાર સાજા થયેલા 6 દર્દીઓને એકસામટી રજા આપવાનો પ્રસંગ બનતા દર્દીઓ અને તેમના સ્વજનો સાથે ટીમ સયાજી એ આનંદ ની લાગણી અનુભવી છે.આ સફળતા માં તબીબો ની કુશળતા,સ્ટાફની નિષ્ઠા સાથે દર્દીઓ નો પોતાનો આત્મ વિશ્વાસ અગત્યનો બની રહ્યો છે.