સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પ્રમાણે 50 લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો
વડોદરા: ગુજરાત સરકારે દૂરંદેશી દાખવીને કોવિડ સારવાર માટે જરૂરી સુવિધાઓ આગોતરી ઊભી કરી હતી અને સમયાંતરે તેમાં એસ.ઓ.પી.પ્રમાણે સુધારા વધારા કર્યા હતા.વડોદરાની વાત કરીએ તો સયાજી અને ગોત્રી દવાખાનાઓમાં અગાઉ થી સંસર્ગમુક્ત સારવાર આપી શકાય તે માટે અલાયદા વોર્ડ ની રચના કરી હતી.
તેના ભાગરૂપે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ ની એડવાન્સ એટલે કે ટર્શિયરી કેરની સુવિધા ઊભી કરીને ,સમયની માંગ પ્રમાણે સતત બેડ સંખ્યા વધારતાં જઈને 575 સુધી લઈ જવામાં આવી અને એક આખી ઇમારત તેના માટે અનામત કરી દેવામાં આવી.
આમ,લગભગ માર્ચ થી રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ની સીધી સૂચનાઓ હેઠળ ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આ સુવિધાઓનો સતત વ્યાપ વધારવામાં આવ્યો અને ઓકસીજન પુરવઠા સહિત અદ્યતન જીવન રક્ષક યંત્રો અને ઉપકરણો ઉમેરવામાં આવ્યા જેને પગલે આ સાવ નવી બીમારીના પડકારનો સામનો કરવાની આરોગ્ય તંત્રની તાકાતમાં વધારો થયો અને પીડિતોને રાહત મળી.
આ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ કરેલા એક રસપ્રદ વિશ્વલેશણ પ્રમાણે દાખલ દર્દીઓની સંખ્યામાં વધારાના અનુપાત માં લગભગ છેલ્લા 6 મહિના દરમિયાન સારવાર અને અન્ય સુવિધાઓ માટે દૈનિક રૂ.15 થી લઈને 50 લાખ સુધીનો ખર્ચ લોક આરોગ્યની રક્ષા માટે સરકારની તિજોરીમાં થી કરવામાં આવતો રહ્યો છે.
તેમણે માંડેલા અંદાજ પ્રમાણે જ્યારે દાખલ દર્દીઓની સંખ્યા 100 જેટલી હોય ત્યારે તેમના ભોજન,દવાઓ સહિત ની સગવડો માટે દૈનિક રૂ.15 થી 20 લાખનો ખર્ચ થતો હતો.નોંધ લેવી ઘટે કે અહી રાજ્ય સરકાર દ્વારા કુલ 575 બેડ ની સારવાર સુવિધા,અદ્યતન જીવન રક્ષક વેન્ટિલેટર થી સુસજ્જ 100 બેડ,50 બેડ આઇસીયુ વેન્ટિલેટર વગર,આમ,150 પથારી ના આઇ.સી.યુ./ સેમી આઇ.સી.યુ.,300 બેડ પર ઓકસીજન આપવાની સુવિધા અને ખૂબ ઓછી અસર વાળા દર્દીઓ માટે અન્ય સાદા બેડ ની વ્યાપક સુવિધાઓ કરવામાં આવી જેનો લાભ માત્ર વડોદરા શહેર અને જિલ્લાના જ નહિ પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અને ક્વચિત પાડોશી રાજ્યોના કોરોના અસરગ્રસ્તો એ લીધો અને રાજ્ય સરકારે સારવાર સુવિધા આપવામાં કોઈ કચાશના રાખી.
ડો.બેલીમ એ જણાવ્યું કે અહી આજે પણ નિષ્ણાત તબીબોની આગેવાની હેઠળ તબીબી ટીમ દિવસમાં ઓછામાં ઓછાં બે વાર પ્રત્યેક દર્દીની તપાસ,કેસ પેપરનું નિરીક્ષણ કરીને,પરામર્શ દ્વારા સારવારમાં સુધારો વધારો અને ફેરફાર કરે છે.દર્દીની કો મોરબિડિટી પ્રમાણે અન્ય રોગોના નિષ્ણાત તબીબોના પરામર્શ પ્રમાણે સારવારમાં ફેરફાર કરવામાં આવે છે.
આઇ.સી.એમ.આર.ની ગાઈડ લાઇનને અનુસરીને સારવાર આપવામાં આવી રહી છે.દર્દીઓની સંખ્યા અવશ્ય ઘટી છે પરંતુ સારવાર એટલી જ ચુસ્તતા સાથે કરવામાં આવી રહી છે.
તેની સાથે દર્દીને સવારમાં નાસ્તો,દૂધ,બે વાર ભોજન સહિત જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે.નિષ્ણાતો ની સલાહ પ્રમાણે દર્દીના જરૂર જણાય તેટલીવાર બ્લડ રીપોર્ટસ કઢાવવા, પોર્ટબલ મશીન દ્વારા પથારી નજીક જ એક્ષરે,જરૂરી હોય તો એડવાન્સ સિટી સ્કેન ,સુગર અને બી.પી.ની તપાસ,ઇસીજી ,વહેલી સવાર થી મોડી રાત સુધી સારવારનો આ ક્રમ તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ચાલુ રાખવામાં આવે છે.
કોવિડ પ્રોટોકોલ માં ઠરાવેલા રીપોર્ટસ નો ખર્ચ જ લગભગ રૂ.10 હજાર થાય છે. દર્દીઓને શ્વસન નિયમિત અને સ્થિર કરવા ફિઝિયોથેરાપી,શ્વાસની કસરતો,લાફીંગ થેરાપી અને સંગીત નો લાભ મળે તેવી વ્યવસ્થા એક આગવી વિશેષતા બની રહી છે.
તેની સાથે સેવકો દ્વારા સતત સાફ સફાઈ અને જરૂરી સેનેટાઇઝેશન ની કાળજી લેવામાં આવે છે.રોગમુક્ત દર્દીને રજા આપતી વખતે લગભગ 15 દિવસની જરૂરી દવાઓ અને ઉચિત પરામર્શ આપવાની સાથે આપવામાં આવેલી સારવારની સંક્ષિપ્ત જાણકારી સાથે નું ડિસચાર્જ કાર્ડ આપવામાં આવે છે જે દર્દીને ભવિષ્યમાં સારવારની જરૂર પડે તો હેલ્થ કાર્ડ તરીકે ઉપયોગી નીવડે તેવું છે.
આજે સયાજી હોસ્પિટલમાં અને કોવિડ વિભાગમાં પાઇપ લાઇન દ્વારા બેડ પર જ આપી શકાય એવી ઓકસીજન પુરવઠાની,સતત પુરવઠાની ખાતરી માટે બે ઓકસીજન ટાંકીઓની સુવિધા છે.સતત અદ્યતન જીવન રક્ષક યંત્રો આપવામાં આવ્યા છે અને છેલ્લે વિશેષ કોવિડ ટ્રાયેજ ની સુવિધા ઉમેરવામાં આવી છે.તબીબી તપાસ કેન્દ્ર પણ પરિસરમાં જ શરૂ કરવામાં આવ્યું છે.આમ,રાજ્ય સરકારે સરકારી દવાખાનામાં કોરોના ની સારવારની લગભગ અદ્યતન ખાનગી હોસ્પિટલને સમકક્ષ સુવિધા સ્થાપીને અને લગભગ વિનામૂલ્યે સારવારનો લાભ આપીને લોક આરોગ્યના રક્ષણ ની નિષ્ઠા બતાવી છે.