સરકારના અહમ ઉપર મલમ લગાવવા દિશા રવિ પર દેશદ્રોહનો કેસ ન થાય
દિશા રવિને જામીન આપતા કોર્ટની ટકોર-દિલ્હીની કોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી નાખી
નવી દિલ્હી, ખેડૂત આંદોલનને લઈને ટૂલ કિટ બનાવવાના આરોપનો સામનો કરી રહેલી એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની કોર્ટે મંગળવારે જામીન તો આપ્યા જ હતા પણ સાથે સાથે કોર્ટે દિલ્હી પોલીસની આકરી ઝાટકણી પણ કાઢી હતી. દિશા રવિને જામીન આપવાનો વિરોધ કરતી વખતે દિલ્હી પોલીસે કહ્યુ હતુ કે,
આ ટૂલ કિટ કેસ નથી પણ તેના થકી દેશને બદનામ કરવાનો અને દેશમાં અશાંતિ પેદા કરવાનો ઈરાદો હતો.દિશાએ વોટસએપ પરની પોતાની ચેટ ડિલિટ કરી નાંખી હતી .કારણકે તે કાનૂની કાર્યવાહીથી બચવા માંગતી હતી.આમ ટૂલકિટ પાછળનો ઈરાદો સારો નહોતો. જાેકે પોલીસની તમામ દલીલો કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યુ હતુ કે, પોલીસે જે પણ રેકોર્ડ રજૂ કર્યો છે તેમાં એવુ કશું નથી કે જેનાથી દિશા રવિ ભાગલાવાદી વિચારો રજૂ કરી હોય તેવુ લાગે.
દિશા રવિનો પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસ સાથે કોઈ સબંધ હોય તેવુ પણ સાબિત થયુ નથી.જેનાથી નુકસાન ના થતુ હોય તેવી ટુલકિટના એડિટર હોવુ ગુનો નથી. સાથે સાથે કોર્ટે કહ્યુ હતુ કે, સરકારના ઘવાયેલા અહમ પર માત્ર મલમ લગાવવાના ઈરાદાથી દેશદ્રોહનો કેસ થોપી શકાય નહીં. લોકશાહી સિસ્ટમમાં નાગરિકો સરકારને રસ્તો બતાવી શકે છે.સરકારની નીતિઓ સાથે અસંમત હોવાના કારણે નાગરિકોને જેલમાં પૂરી શકાય નહી.
વિચારોમાં મતભેદ અને અસહમતિ થી સરકારની નીતિઓમાં પારદર્શિતા આવતી હોય છે.જાગૃતિ નાગરિકો એક સમૃધ્ધ લોકશાહીની ઓળખ છે. કોર્ટની આ ટિપ્પણીઓ દિલ્હી પોલીસને ઝાટકો આપનારી છે.કારણકે હવે આ ટિપ્પણીઓ બાદ દિલ્હી પોલીસ પર નૈતિક દબાવ વધી ગયો છે.