સરકારને એફિડેવિટ ફાઈલ કરવાનો હાઈકોર્ટનો આદેશ
અમદાવાદ, એલઆરડીની ભરતીમાં ઉંચાઈ ઓછી હોવાનું કારણ આપી રિજેક્ટ કરાયેલા ૧૦ ઉમેદવારોએ હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે કોર્ટે સરકારનો જવાબ માગ્યો છે. ઉમેદવારોનો દાવો છે કે ૨૦૧૯માં જે ભરતી આવી તેમાં તેમની હાઈટ યોગ્ય હોવાનું જણાવાયું હતું, પરંતુ ૨૦૨૧ની ભરતીમાં તેમની હાઈટ ઓછી હોવાનું જણાવી તેમને ભરતીની પ્રક્રિયામાંથી બાકાત કરી દેવાયા હતા. કોર્ટના આદેશ બાદ ઉમેદવારોની ફરી હાઈટ મપાઈ હતી, જેમાં પણ તેમની હાઈટ ઓછી હોવાનું જણાવાયું હતું.
LRD અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ૧૦ ઉમેદવારો એ દાવા સાથે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા કે ૨૦૧૯ની ભરતીમાં તેમની ઉંચાઈ યોગ્ય હતી, પરંતુ તાજેતરની ભરતીમાં તેમની હાઈટ ઓછી હોવાનું જણાવી તેમને રિજેક્ટ કરી દેવાયા હતા. આ અંગે કોઈ શંકા ના રહે તે માટે કોર્ટે ડિસેમ્બર ૨૦૨૧માં સરકારને આ તમામ ઉમેદવારોની ફરી સોલા સિવિલ હોસ્પિટલમાં હાઈટ માપવા માટે જણાવ્યું હતું.
બુધવારે આ મામલે થયેલી સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સોલા સિવિલમાં આ તમામ ઉમેદવારોની હાઈટ ફરી માપવામાં આવી હતી. જેમાં પણ તેમની ઉંચાઈ ભરતીમાં નક્કી કરાયેલા માપદંડથી ઓછી હોવાનું જણાયું હતું. આ ભરતીમાં પુરુષ ઉમેદવારની હાઈટ ઓછામાં ઓછી ૧૬૫ સેન્ટીમીટર જ્યારે મહિલા ઉમેદવારની મિનિમમ હાઈટ ૧૫૫ સેમી હોવી જરુરી છે.
આ કેસમાં સરકારી વકીલે આપેલા જવાબ પર ફરિયાદ પક્ષના વકીલ સોનલ વ્યાસે દલીલ કરી હતી કે પોલીસ ભરતી બોર્ડે જ ૨૦૧૯માં જ્યારે તમામ ૧૦ ઉમેદવારોની હાઈટ યોગ્ય હોવાનું જણાવ્યું હતું તો ૨૦૨૧માં તેમની હાઈટ ઓછી કઈ રીતે થઈ ગઈ? આ અંગે સરકારી વકીલના જવાબ સામે પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
ફરિયાદ પક્ષના વકીલે કોર્ટમાં ભરતી બોર્ડ દ્વારા ભૂલ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરતાં દલીલ કરી હતી કે ઉમેદવારોની હાઈટ કુદરતી રીતે ઓછી થઈ જાય તે અશક્ય છે.
બીજી વાર હાઈટ ચકાસવામાં આવી ત્યારે આમ થયું છે, જેની પાછળ કોઈ તર્ક નથી જણાતો. તેમણે આ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી આપવા માટે પણ અપીલ કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, લેખિત પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે. આ મામલે કોર્ટે સરકારને સોગંદનામું રજૂ દાખલ કરી કેસની વધુ સુનાવણી ૨૭ ફેબ્રુઆરીના રોજ મુકરર કરી છે.SSS