સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારાને ખુલ્લા પાડોઃ યોગેશ પટેલ
વડોદરા, રાજ્ય સરકારના સૌથી ભ્રષ્ટ મનાતા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ધ્યાને આવતાં ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય તથા લોકહિત રક્ષક યોગેશ પટેલે વડોદરા જિલ્લા કલેકટરને પત્ર લખીને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડવા તાકીદ કરી છે.
જિલ્લા કલેકટરને એક પત્ર લખીને છેલ્લા ત્રણ વર્ષમાં બીન ખેડૂતને ખેડૂત ગણીને જમીનના હુકમો, નવી શરતની જમીનમાં પ્રિમિયમના હુકમો, એન.એ.ના હુકમોની ચકાસણી કરવા માટે માગણી કરી છે. આ ઉપરાંત સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને પણ આપીને કરવામાં આવેલા હુકમો જેવા કેસોની પમી ચકાસણી કરીને કેસ રી-ઓપન કરવા સાત દિવસમાં રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી છે.
વડોદરામાં વગોવાયેલા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના મામલે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કલેકટર બીજલ શાહે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એન.એ.ના હુકમો, પ્રિમિયમવાળી જમીનોના હુકમો, બિન ખેડૂતોને ખેડૂત ગણી ખેડૂતોના લાભ તેમજ કરોડો રૂપિયાની સરકારી જમીનો લાગતા વળગતા પાસેથી કરોડો રૂપિયા લઈ સરકારી જમીનો આપેલ છે.
આ અંગેની અનેક ફરિયાદો મારા ધ્યાનમાં આવી છે. આવા હુકમોની ચકાસણી કરી ગેરકાયદેસર રીતે મહેસૂલના કાયદાઓનું અર્થઘટન ખોટું કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. આવા અધિકારીઓને ખુલ્લા પાડી તેમની પર ફોજદારી કેસો થાય તે માટે જ અ પત્ર લખ્યો છે. આવા કેસોની ચકાસણી કરીને રિઓપન કરવા અને તેનો રિપોર્ટ દિન સાતમાં જાહેર કરવાની માગણી કરી હતી.