સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ગુજરાતની પ્રથમ સરકારી OPD નો શુભારંભ
સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ તથા સંલગ્ન હોસ્પિટલની સ્થાપના ઇ.સ.1956માં થઈ હતી, જે અમદાવાદની જુનામાં જુની આયુર્વેદ કોલેજ છે ,તેમાં BAMS ની 94 સીટ છે તથા PG ની 26 સીટ છે. આ સંસ્થામાંથી અંદાજીત 5000 જેટલા વિદ્યાર્થીઓ BAMS(ગ્રેજયુએટ) પુરુ કરીને તથા 400 જેટલા વિદ્યાર્થીઓ MS/MD પૂરું કરીને ગુજરાતમાં તથા દેશમાં જુદી જુદી જગ્યાએ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે .
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના નિયામકશ્રી આયુષ કચેરી વૈદ્ય જયેશ પરમાર અને આચાર્યશ્રી સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ વૈદ્ય હર્ષિત શાહના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 31/05/2022 ના રોજ ગુજરાતની પ્રથમ સરકારી અગદની OPD નો શુભારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ અંતર્ગત ધન્વંતરિ પૂજન કરીને વિષઘ્ન વનસ્પતિનું રોપણ માનનીય મુખ્ય અતિથિના હસ્તે કરવામાં આવ્યુ, ત્યારબાદ તેઓએ વિષ ચિકિત્સા કેવી રીતે લોક ઉપયોગી થઈ શકે અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું.
આજકાલ રોજબરોજના વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે કેમિકલ યુક્ત પદાર્થો, વિરુદ્ધ આહાર, જાણતા – અજાણતા વિષના સંપર્કમાં આવતા લાંબા ગાળે શરીરમાં જે લક્ષણો ઉત્પન્ન થાય છે તેનું યોગ્ય નિદાન કરી તેની ચિકિત્સા આ OPD ના અંતર્ગત કરવામાં આવશે.
31 મે ના દિવસને ‘વર્લ્ડ નો ટોબેકો’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેની થીમ આ વર્ષે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) તરફથી “Tobacco: Threat to our environment”હતી, જેના અંતર્ગત અગદતંત્ર વિભાગ તરફથી જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ સફળ કાર્યક્રમનું આયોજન નાયબ અધિકક્ષકશ્રી વૈદ્ય વી.આર.જાડેજા, આર. એમ.ઓશ્રી વૈદ્ય પલ્લવી પરીખ ,અગદતંત્ર વિભાગાધ્યક્ષશ્રી વૈદ્ય સંતોષી માને તથા સહાયક પ્રાધ્યાપકશ્રી વૈદ્ય જાનકી ગજ્જર દ્વારા કરવામાં આવ્યું.