સરકારી અધિકારીની કાર નાળામાં ખાબકતાં ૨નાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/car.jpg)
File photo
રાજકોટ, ચોટીલા નજીકના ઢેઢુકી ગામ પાસે શ્વાનનો જીવ બચાવવા જતાં અકસ્માતે કાર આશરે ૧૦ ફૂટ ઊંડા નાળામાં ખાબકતા ૨ વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા અને બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શ્વાનને બચાવવા જતાં કાર ઊંડા નાળામાં ખાબકતા રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગરમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જયેશભાઈ દવે અને તેમના જ વિભાગના ડ્રાઈવર પરાગ પંડયાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ૨ વ્યક્તિને ઈજા થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજક કચેરીના અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ દવે તેમના સાથી કર્મચારી રમેશભાઇ કોરડિયા અને ધીરજલાલ લાડાણી રાજકોટથી સુરેન્દ્રનગર આવી રહ્યા હતા. ત્યારે ચોટીલા-સાયલા નેશનલ હાઇવે પર વચ્ચે શ્વાનને બચાવવા જતાં કાર ફંગોળાઇ નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જયેશભાઇ દવે અને કારચાલક પરાગભાઇ પંડયાનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા જયેશભાઈ આગામી તારીખ ૩૦મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રજા પર હતા. રાજકોટ સ્થિત કચેરીના અધિકારી રમેશભાઇ કોરડીયા પાસે સુરેન્દ્રનગરની કચેરીનો ચાર્જ હોવાથી તેમણે જયેશભાઈને સુરેન્દ્રનગર સાથે આવવાનું કહ્યું હતું. જેથી જયેશભાઈ, રમેશભાઇ કોરડીયા, ધીરજલાલ લાડાણી કારમાં સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા.
જ્યારે કાર ચોટીલા નજીકના ઢેઢુકી ગામ પાસે પહોંચી ત્યારે અચાનક શ્વાન આડે ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવર પરાગભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઊંડા નાળામાં ખાબકી હતી. જેમાં પરાગભાઈ અને જયેશભાઈના સ્થળ પર મોત નીપજ્યા હતા.
તેમની સાથે કારમાં હાજર રમેશભાઈ અને ધીરજલાલને ઈજા થતાં તેઓ બંનેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. માર્ગ અકસ્માતમાં દુઃખદ બનાવ બનતાં બહુમાળી ભવનની તમામ શાખામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.SSS