સરકારી અનાજનો જથ્થો લગ્ન પ્રસંગમાં વેચી માર્યો
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની વ્યાપક ગેરરીતીને પગલે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાલ આંખ કરવામા આવી છે. જેના પગલે સસ્તા અનાજની દુકાનો પર જઈ તપાસ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગેરરીતી બહાર આવતા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી સસ્તા અનાજની દુકાનોમાં જે ગેરરીતી કરી રહ્યા છે. તેમના બાવાના બે બગડી ગયા જેવો ઘાટ થઈ ગયો છે. સંમયાતંરે પુરવઠા અધિકારી દ્વારા જીલ્લાની સસ્તા અનાજની દુકાનોમા આકસ્મિત તપાસ કરવામાં આવે છે. આ વખતે તપાસમાં લોકોને મળતું અનાજ લગ્નપ્રંસગમાં વેચી માર્યુ હતું.
જેમા ગોધરા તાલુકા નસીરપુર ગામમા આવેલા સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિત તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં તપાસ કરતા ૨૭ કટ્ટાની ઘટ મળી આવી હતી અને જેમાં ૧૮ કટ્ટા ઘંઉ, ૮ કટ્ટા ચોખા, ૧ કટ્ટા ખાંટ લગ્નપ્રંસગમા આપી દીધા હોવાની વિગતો મળી હતી.
શહેરા તાલુકાના ખરોલી ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ૪૦ કટ્ટા જેટલો જથ્થો બારોબાર લગ્નમા આપી દીધો હોવાની વિગતો સામે આવી હતી. આમ જિલ્લા પુરવઠા અધિકારીની તપાસના પગલે અનાજની ગેરરીતી કરનારા સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.