Western Times News

Gujarati News

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૫ સગર્ભાની પ્રસૃતિ એક જ રાતમાં કરવામાં આવીઃ તમામ નોર્મલ ડિલીવરી

*તમામ સગર્ભા મહિલાઓની કોઇ પણ કોમ્પલીકેશન વિના નોર્મલ ડિલીવરી, આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સરાહનીય કામગીરી*

આલેખન – મહેન્દ્ર પરમાર, દાહોદનાં ગરબાડા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની પ્રસૃતિ એક જ રાતમાં કરવામાં આવી છે અને આનંદની વાત એ છે કે તમામ ડિલીવરીઓ નોર્મલ કરાઇ છે અને માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. સામાન્ય રીતે અહીં સરેરાશ રાતના સમયે સાત-આઠ ડિલીવરીઓ કરવામાં આવે છે.

જયારે ગત રોજ એક જ રાતમાં ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની નોર્મલ ડિલીવરી એ પણ કોઇ પણ જાતના કોમ્પલીકેશન વગર પાર પાડવી તે અહીંના મીડવાઇફ-નર્સ પ્રેક્ટિશનર સોનલ ડામોર સહિતના સ્ટાફ માટે અભિનંદનને પાત્ર ઘટના બની રહી છે.

જિલ્લામાં સ્થાનિક સ્તરે જ મળી રહેલી આરોગ્ય સુવિધાઓથી નાગરિકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિલીવરી સહીતની તમામ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.

ગરબાડા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તા. ૬ મે ના રોજ ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની હેમખેમ પ્રસૃતિ કરાઇ હતી. તમામ મહિલાઓની નોર્મલ ડિલીવરી છે તેમજ મા-બાળક પણ સ્વસ્થ છે. અહીંના નર્સ પ્રેક્ટિશનર -મીડવાઇફ સોનલ ડામોર જણાવે છે કે, અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર મહિને ૨૦૦ જેટલી ડિલીવરીઓ કરાવવામાં આવે છે.

સામાન્ય રીતે અહીં સરેરાશ ૭ થી ૮ જેટલી ડિલીવરીઓ દરરોજ રાતના સમયે કરવામાં આવે છે. પરંતુ ગત રાતે ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની ડિલીવરી કરવામાં આવી હતી. જે અહીંના સ્ટાફની મદદ અને મેડીકલ ઓફિસર શ્રી આર.કે. મહેતાના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક કરી શકાઇ હતી. આ તમામ માતા-બાળકને કોઇ જ કોમ્પલીકે્શન્સ નથી અને તમામ સ્વસ્થ છે.

દાહોદ જિલ્લામાં વાર્ષિક ૬૩૫૬૩ જેટલી પ્રસુતિ થાય  છે. તે પૈકી ૩૬૨૩૦ સરકારી સંસ્થામાં કરાવાય છે. એટલે કે ૫૭ ટકા પ્રસુતિ કરાવવામાં આવે છે. દાહોદ જિલ્લામાં રાઉન્ડ ધ કલોક સેવા આપતા ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો  આવેલા છે.

દાહોદ જિલ્લામાં કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે માસિક ૧૦ થી લઇ ને ૨૦૦ જેટલી અંદાજીત પ્રસુતિ કરાવાય છે. દર માસે ૫૦ થી વધારે પ્રસુતિ આફવા, કદવાળ, બિલવાણી, ગાંગરડી, બોરવાણી, ભાઠીવાડાના આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવાય છે.

સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યને લગતી તમામ સેવાઓ આપવામાં આવે છે.  તથા કતવારા સી.એચ.સી. ખાતે સીઝીરીયન ડીલેવરી તથા સ્ત્રીરોગને લગતાં  ઓપરેશન કરવામાં આવે છે. જિલ્લામાં પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના હેઠળ  ૩૭૯૪ માતાઓને  રૂા. ૨.૨૭ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.