Western Times News

Gujarati News

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

રાજ્ય સરકારે કરેલો પરિપત્ર

( એજન્સી)ગાંધીનગર,અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશ પર પ્રતિબંધ બાદ આજે (19 ઓક્ટોબર) રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. સરકારી કચેરીમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીએ હેલ્મેટ નહિ પહેરેલ હોય તો પ્રવેશ નહિ આપવામાં આવશે નહિ.
આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ કામ માટે કચેરીમાં પોલીસની જરૂર હશે તો તેની પણ ફાળવણી કરવામાં આવશે.આ અંગેના રાજ્ય સરકારે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા અને મૃત્યુના બનાવો ધ્યાને લઈને માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે.
આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદાનું પાલન અને સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલમેટ પહેરવું ફરજિયાત હોવાથી સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ કરજિયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ કે કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આ વ્યવસ્થા માટે જરૂર જણાય તો પોલીસ ખાતા કે સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.