સરકારી તિજાેરી પર પડતો ભાર અટકાવો-દેવાળીયા થતા બહુ ઓછી વાર લાગે છે.
મફત સવલતોનો ખર્ચ રાજકીય પક્ષોના માથે નાખી દેવો જાેઈએ-આર્થિક સ્તરે કરાતા આડેધડ ખર્ચા અને મફતમાં અપાતી સવલતો અર્થતંત્રને ખોખલી કરી નાખે છે
કોરોનાના કપરા કાળમાં લોકડાઉન જેવા ગંભીર નિર્ણયો લેવામાં આવ્યા હતા જેના પરિણામે અર્થતંત્ર ઉપર અસર પડી હતી પરંતુ ત્યારબાદ ભારતનું અર્થતંત્ર રોકેટ ગતિએ મજબુત બની રહયું છે આ પરિસ્થિતિમાં ચોંકાવનારી બાબત એ છે કે વૈશ્વિક પરિબળોના કારણે ભારત દેશમાં મોંઘવારી સતત વધી રહી છે.
ખાસ કરીને પેટ્રો પેદાશોના ભાવો વધતા તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા લાગી છે. દેશમાં હાલ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે અને તમામની નજર સરકાર ઉપર મંડાયેલી છે. જયારે કેટલીક રાજય સરકારો પોતાના હિત ખાતર બેજવાબદારી ભર્યાં નિર્ણયો લઈ રહી છે
જેની સીધી અસર દેશભરના નાગરિકો ઉપર પડી રહી છે નાગરિકોને ૩૦૦ યુનીટ મફત વીજળી આપવાથી દેશનો વિકાસ નથી થવાનો. ઉપરથી આ નિર્ણયના કારણે સરકારની તીજાેરી પર ભારણ વધવાનું છે. આ પરિસ્થિતિ તાત્કાલીક બદલવી જરૂરી છે નહીંતર આવનારા દિવસો દેશ માટે ખૂબજ કપરા સાબિત થશે.
તાજેતરમાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાનની યોજાયેલી બેઠકમાં સ્પષ્ટપણે મત વ્યકત કરવામાં આવ્યો હતો કે નાગરિકોને મફત સવલતો આપવાની પધ્ધતિ દેશ માટે નુકસાનકર્તા સાબિત થશે અને ભારતની હાલત પણ શ્રીલંકા જેવી પણ થઈ શકે છે. આ ગંભીર ચેતવણી છતાં રાજય સરકારો જાગતી નથી માત્ર વોટ બેંકને સાચવવા માટે આવા બેજવાબદારી ભર્યાં નિર્ણયો લેવામાં આવે છે. આવા નિર્ણયોથી દેશમાં ચાલતા વિકાસના કામો પણ અટકી શકે છે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી રહી છે.
દેવાના ડુગર નીચે દબાયેલા શ્રીલંકાનો દાખલો સૌ કોઈ આપી રહ્યા છે. દેવું લેતી વખતે કોઈને તે ચુકવવાનું ભાન નથી હોતું, શ્રીલંકાના સત્તાવાળાઓ ચીનની જાળમાં ફસાઈ ગયા છે. ચીને કરેલા આર્થિક સહાયને તે ગિફટ ગણતા હતા. ચીને તેમની માન્યતાને પડકારી નહોતી. જેવું ચીનનું કામ પ્રત્યું કે તરત જ ચીને પૈસા પાછા માગ્યા હતા.
અધિકારીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાનને સૂચનો મળ્યા હતા કે મફતમાં અપાતી સિસ્ટમ દૂર કરો નહીંતર આપણી દશા પણ શ્રીલંકા જેવી થશે.
શ્રીલંકાની આર્થિક દશા કમકમાટી ઉપજાવે એવી છે. લોકોએ એટલી મોંઘી ચીજાે મળે છે કે તે બે સમય પેટ ભરીને ખાઈ શકતા નથી. એકાદ મહિનામાં ત્યાં ભૂખમરો શરૂ થશે એમ કહી શકાય. આવી દશા ભારતની થઈ શકે ખરી?
કોઈપણ દેશને દેવાળીયો થતા બહુ ઓછી વાર લાગે છે.
આર્થિક સ્તરે કરાતા આડેધડ ખર્ચા અને મફતમાં અપાતી સવલતો લાંબે ગાળે અર્થતંત્રને કોરીનાખે છે. ભારતમાં એક તરફ ભ્રષ્ટાચાર અર્થતંત્રને ફોલી નાખે છે. તો બીજી તરફ મફત સવલતોએ લોકોની પ્રોડક્ટિવિટીને ફટકો માર્યો છે.
ભારતમાં મોટા ભાગના દૂષણોનું ઉત્પત્તિસ્થાન રાજકારણ છે. રાજકારણીઓ અને રાજકીય પક્ષો સત્તા મેળવવા મફત સવલતો માટેનું રાજકારણ રમતા હોય છે. તમિળનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ મફત સવલતોની સ્કીમો આપી હતી. તેમની નકલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ મોટા પાયે કરી છે અને હવે તો મફત સવલતો ચૂંટણી જીતવા માટેનું બ્રહ્માસ્ત્ર બની ગયું છે.
દરેક રાજકીય પક્ષનો એક માત્ર મંત્ર રાજકીય સત્તા હાંસલ કરવાનો હોય છે. આમ આદમી પાર્ટીએ જે શસ્ત્રનો ઉપયોગ કર્યો છે તેને હવે પક્ષ વત્તે ઓછે અંશે કરી રહ્યા છે. રાજકીય પક્ષો લાંબુ એટલા માટે નથી વિચારતા કે તેમને પોતાની તિજાેરી ભરવાની ચિંતા હોય છે.
કોઈ રાજકીય પક્ષ કોઈને સલાહ આપી શકે એમ નથી, કેમ કે દરેકનો એક માત્ર મંત્ર રાજકીય સત્તા મેળવવાનો હોય છે. ગયા મહિને જયારે પાંચ રાજયોમાં વિધાનસભાનો જંગ ખેલાયો ત્યારે ગોવામાં તો લ્હાણીની મોસમ જાેવા મળી હતી. મતદારોને એટલા બધા પ્રલોભનો અપાયા હતાં કે જાે તે બધાં અમલી બને તો કોઈને નોકરી કરવાની જરૂર ના પડે.
મતદારોને તો જેટલું આપો એટલું ઓછું પડવાનું છે, પરંતુ આ બંધુ આવે છે સરકારી તિજાેરીમાંથી. આ સરકારી તિજાેરી ખાલી થાય એટલે કેન્દ્ર સરકાર પાસે સહાય માંગવામાં આવે છે. દરેક રાજયના માથે દેવું છે છતાં મફત સવલતો આપવાનું ચૂકતા નથી.
દિલ્હીમાં એક સર્વે એવો થયો હતો કે મફત સવલતોના કારણે કેટલીક કોમના લોકો પેટનો ખાડો પુરવાનો પ્રયાસ નથી કરતા અને ગુનાઓના રવાડે ચઢી જાય છે. આવા લોકો કામ મેળવાવ જતા નથી અને ટોળામાં બેસીને ટોળટપ્પાં માર્યા કરે છે. વ્યક્તિની પ્રોડક્ટિવિટી પર સીધી અસર પડે છે, કેમ કે તેને બહુ પૈસાની જરૂર નથી પડતી. પંજાબમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.
મફત સવલતો આપતાં રાજયોના મોડલને સારૂં કેવી રીતે કહી શકાય ? રાજયમાં કોઈ ગૃહ ઉદ્યોગ માટે મફત શેડ આપ્યા હોય કે બિઝનેસ લોન વ્યાજ વગરની આપી હોય તો તે પ્રશંસાને પાત્ર ગણી શકાય. પરંતુ જીવનજરૂરી ચીજાે તદ્દન મફત સવલતો સાથે આપી હોય તો લોકોને કામ શોધવા માટે બહુ ફરવાની ઈચ્છા નથી થતી.
રાજકીય પક્ષો મફતની સ્કીમો આપવાની બંધ કરે તે માટે સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ કંઈ કરી શકે એમ નથી. સુપ્રીમે કહ્યું છે કે ચૂંટણી પંચે પગલાં લેવા જાેઈએ પરંતુ ગરીબ દેશમાં આવા પ્રલોભનોથી ચૂંટણી જીતવી આસાન બનતી જાય છે.
મફત સવલતોનું દૂષણ દૂર કરવું આસાન નથી. તેનાથી લાભ તો લોકોને થઈ રહ્યો છે.
પંજાબમાં મહિલાઓને મહિને એક હજાર રૂપિયા મળે તે આવકાર્ય વાત છે, પરંતુ ઓવરઓલ દેશનાં માથે બોજ વધે છે. સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકતી નથી. મફત સવલતો આપવાનો ખર્ચ જે તે પક્ષના માથે નાખવાની જરૂર છે. દરેક પક્ષ પાસે તગડું ભંડોળ છે. આ ભંડોળ તેમની પાસે ભારતના લોકો પાસેથી આવેલું છે, જે લોકો માટે વાપરવાનું છે.
મોટાભાગના રાજયો દેવામાં ડૂબેલા છે. જાે મફત સ્કીમો પાછળ પૈસા વેડફાશે તો દેવાનો બોજ વધી શકે છે અને એમ થાય તો શ્રીલંકા જેવી સ્થિતિ ભારતમાં ઉભી થઈ શકે છે. અહીં આસાન સોલ્યુશન એ છે કે દરેક પક્ષ પોતાના ભંડોળમાંથી લોકોને મફત સવલતો આપે અને સત્તા ટકાવી રાખે.