સરકારી નોકરીની લાલચ આપી પુજા ઠાકોરે ૮૧ જેટલા લોકોને છેતર્યા.
અમદાવાદ,દહેગામ ખાતે મીઠાના મુવાડામાં સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની એકેડેમીમાં સરકારી ભરતીની લાલચ આપી પૈસા પડાવતી ગેગની આરોપી પુજા ગફુરજી ઠાકોરે જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેની સામે તપાસ કરનાર અધિકારીએ એફીડેવીટ ફાઈલ કરીને એવી રજુઆત કરી હતી. કે આરોપીઓએ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના ૮૧ જેટલા લોકોને સરકારી નોકરી આપવાની લાલચે ઠગ્યા છે.
આરોપીઓ પાસેથી એક લાખ કેશ, ભરતીના ખોટા ફોર્મ, ડોકયુમેન્ટ, પીએસઆઈનો યુનિફોર્મ, નકલી આઈકાર્ડ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે આરોપીઓએ ઉત્તરપ્રદેશથી પણ ઉમેદવારો પાસેથી રપ લાખ ઉઘરાવ્યા છે ત્યારે આરોપીને જામીન ન આપવા જાેઈએ. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં થશે તેવું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાલીમ કેન્દ્રની નામની એકેડેમી ચલાવતા હરીશ પ્રજાપતીએ પૂરવીંદરસિંગ પુજા ગફુરજી ઠાકોર સહીત અન્યો સાથે મળીને ગુજરાતની વિવિધ સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી પૈસા પડાવતા હતા. જેમાં અમદાવાદ પોલીસે દહેગામ સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નામની એકેડેમી ચલાવતા હરીશ તેમજ પુજા ઠાકોરની ધરપકડ કરી હતી. આરોપી પુજા ઠાકોરે પોતે ફીઝીકલ ભરતીમાં નાપાસ હોવા છતાં તેણે પાસ હોવાનો ખોટો સિકકો લેટરપેડ પર માર્યો હતો.
બીજી તરફ આરોપી પુજાએ નિર્દોષ હોવાથી જામીન પર મુકત કરવી જાેઈએ તેવો મુદો ઉઠાવી જામીન અરજી કરી હતી. તેના સામે મુખ્ય સરકારી વકીલે સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટમાં એફીડેવીટ રજુ કરીને જણાવ્યું હતું કે, સરકારી નોકરી આપવાનું કહીને લોકોને છેતરવાનું મોટું કૌભાંડ છે. આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય નહી. આ સમગ્ર કૌભાંડમાં ચાર જણાના મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે.