સરકારી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળઃ 37000 કરોડ રુપિયાનુ ક્લિયરિંગ અટવાયુ
નવી દિલ્હી, બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોના કર્મચારીઓની બે દિવસની હડતાળ પૂરી થઈ ગઈ છે પણ આ દરમિયાન 37000 કરોડ રુપિયાનુ ક્લિયરિંગ અટવાઈ ગયુ હતુ.
શનિવાર અને રવિવારના કારણે હવે સોમવારથી જ બેન્કોમાં કામગીરી પૂર્વવત રીતે શરુ થાય તેવી શક્યતા છે.બેન્કોના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસ હડતાળ પર હતા અને તેના કારણે કુલ 38 લાખ ચેક અટવાઈ ગયા હતા અને તેનુ પેમેન્ટ થઈ શક્યુ નહોતુ.
ગ્રાહકોએ બેન્કોનુ કામ બંધ હોવાથી હેરાનગતિ વેઠી હતી અને બીજી તરફ વ્યવસાયીઓને પણ નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પોલોઈઝ એસોસિએશનના સી એચ વેંકટચલમે કકહ્યુ હતુ કે, 38 લાખ ચેક અટવાઈ જવાથી 37000 કરોડની રકમનુ દેશમાં ક્લિયરિંગ થયુ નથી.
ચેન્નાઈમાં 10600 કરો઼ડ રુપિયાના 10 લાખ ચેક, મુંબઈમાં 15400 કરોડ રુપિયાના 18 લાખ ચેક અને દિલ્હીમાં 11000 કરોડ રુપિયાના 11 લાખ જેટલા ચેક ક્લીયર થયા નહોતા.
હડતાળ દરમિયાન ખાનગી બેન્કોની કામગીરી ચાલી રહી હતી પણ આ બેન્કોના ચેક ક્લિયરિંગ પર પણ હડતાળની અસર પડી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર સંસદમાં બે સરકારી બેન્કોનુ ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મુકે તેવી શક્યતા છે અને તેનો સરકારી બેન્કોના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.