સરકારી લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં ઉઘરાવતી ટોળકી સક્રિય
(એજન્સી) અમદાવાદ, શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે આજે લોકો કોઇ પણ હદ સુધી જઇ રહ્યા છે, જેના અનેક કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. એકના ડબલ થશે, હવામાંથી રૂપિયા પડશે, ઊંચા વ્યાજે રૂપિયા આપવા જેવી અનેક તરકીબોનો ઉપયોગ કરીને ગઠિયા લોકોના લાખો રૂપિયા હડપ કરી લેતા હોય છે.
લોભિયામાના ગામમાં ધુતારાઓ ભૂખે ના મરે-આ કહેવત સાચી એટલે પડે છે કે લોકો પણ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે અજાણ્યા શખ્સોની વાતોમાં આવી જઇને તેમના રૂપિયા ગુમાવવા હોય છે. કોરોનાકાળ બાદ લોકો આર્થિક તંગીમાં આવી ગયા છે, જેનો ફાયદો કેટલાક ગઠિયાએ ઉપાડવાનું શરૂ કરી દીધું છે, જે અંતર્ગત સરકારી લોન અપાવવાના બહાને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે.
શહેરના શાહપુર, દરિયાપુર, દિલ્હી દરવાજા, ઘીકાંટા, માધવપુરા સહિતની જગ્યાઓ પર ગરીબ તેમજ મધ્યમવર્ગના લોકો પાસેથી સરકારી લોન અપાવવાના બહાને એક હજારથી લઇને પાંચ હજાર સુધીના રૂપિયા ખંખેરતા એજન્ટ સક્રિય થયા છે, જેનો માસ્ટરમાઇન્ડ જમાલપુર વિસ્તારમાં રહે છે.
તમારે એક લાખ રૂપિયાની લોન જાેઇએ છે કે પછી બે લાખની કે પછી પાંચ લાખની લોન જાેઇએ છે તેમ કહીને લોકો પાસેથી તેમના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ લઇ રહ્યા છે. ત્યારબાદ રૂપિયા પડાવી રહ્યા છે. સરકારની અલગ અલગ યોજનાઓ છે, જેમાં તે લોન આપતી હોય છે, પરંતુ તેના કેટલાક નિયમો હોય છે અને પ્રોજેક્ટ રિપોર્ટ પણ સબમિટ કરવો પડતો હોય છે. માત્ર ફોર્મ ભરવાથી કોઇ લોન મળી જાય તેવું હોતુ નથી, પરંતુ આ ગઠિયાઓએ લોકો પાસેથી ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું છે અને તેની રિસીપ્ટ પણ તે આપી રહ્યા છે.
દિલ્હી દરવાજા પાસે ગઠિયાએ એક ઓફિસ ખોલી છે, જેમાં તે લોન અપાવવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠિયાએ તેના કેટલાક એજન્ટ તૈયાર કર્યા છે, જે લોકોને લોન મામલે સમજાવે છે.
જાે કોઇ લોન માટે તૈયાર થઇ જાય તો એજન્ટ તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇટબિલ તેમજ બીજા અનેક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી લે છે અને ફોર્મ ભરે છે. ફોર્મ ભરાઇ ગયા બાદ લોન કરાવવાની ફી પેટે તેઓ એક હજારથી લઇને પાંચ હજાર રૂપિયા સુધીની રકમ લેતા હોય છે.
એજન્ટ તો માત્ર નોકરી કરે છે, માસ્ટરમાઇન્ડ આખું રેકેટ ચલાવે છે ઃ જમાલપુરમાં રહેતો માસ્ટરમાઇન્ડ લોન અપાવવાના બહાને ચીટિંગ કરવાનું રેકેટ ચલાવે છે. તેણે પોતાના હાથ નીચે કેટલાક એજન્ટની નિમણૂક કરી છે, જે લોકો સુધી પહોંચીને લોન માટે સમજાવે છે.
એજન્ટ જે ફોર્મ ભરે છે તે અને એડવાન્સમાં લીધેલા રૂપિયા ઓફિસમાં જમા કરાવે છે. એજન્ટને ખબર જ નથી કે આજદિન સુધી કોઇને લોન મળી નથી અને એડવાન્સ લીધેલા રૂપિયા માસ્ટરમાઇન્ડ ચાઉં કરી જાય છે. એક-બે હજાર રૂપિયા જેવી નાની રકમ હોવાના કારણે લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે, જેનો ફાયદો આ ગઠિયો ઉઠાવી રહ્યો છે અને મહિને લાખો રૂપિયાનું ચીટિંગ આચરે છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ફોર્મ જમા કરાવવાનું હોય છે ઃ લોન ચાઉં કરવાના મામલે માસ્ટરમાઇન્ડનું કહેવુ છે કે અમારું કામ લોન આપવાનું નથી, માત્ર પ્રોજેક્ટની ફાઇલ તૈયાર કરીને જમા કરાવવાનું છે, જેના માટે અમે એક હજાર રૂપિયા લઇએ છીએ, જેની પહંચ પણ આપવામાં આવે છે. આ સિવાય કોઇ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. જાે કોઇ વ્યક્તિની લોન થઇ જાય તો તેમની પાસેથી રૂપિયા લેવામાં આવે છે.