સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે આઝાદીના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

શહેરા, 15 મી ઓગસ્ટ અને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “આઝાદીના અમૃત મહોત્સવ” પ્રસંગે સમગ્ર દેશમાં આ રાષ્ટ્રીય પર્વની ભારે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આઝાદીના આ રાષ્ટ્રીય પર્વના દિવસે સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના 75માં સ્વાતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે કોલેજના પ્રિન્સીપાલ ડૉ.. વિપુલ ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
તેમણે પોતાના વક્તવ્યમાં આઝાદીના વીર સપૂતોને યાદ કર્યા હતા અને આ મહામૂલી આઝાદી નો સંદેશો સાચા અર્થમાં ગ્રહણ કરવા જણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને દેશસેવા નો મંત્ર આપ્યો હતો. તે ઉપરાંત “આત્મનિર્ભર ભારત” અને “સ્ટાર્ટ અપ” ના મંત્રને સાકાર કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.
સ્વાતંત્ર પર્વ નિમિત્તે કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા હતા તેમાં દેશભક્તિના ગીતો અને આઝાદીના સપૂતો વિશે વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશસેવા સાથે જોડાયેલા NCC અને NSS ના વિદ્યાર્થીઓએ વિશેષ હાજરી આપી હતી. તેમજ NCC ઓફિસર કર્ણસિંહ જાદવ તથા બટાલીયનના ઓફિસર ગોધરાથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજ કેમ્પસમાં એન.સી.સી યુનિટ તરફથી વૃક્ષારોપણ તેમજ સરદાર પટેલ ના સ્ટેચ્યુ ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કોલેજના સિનિયર પ્રોફેસર અને સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો. દિનેશ માછી તેમજ કોલેજ પરિવારના તમામ સ્ટાફગણે હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો.હિંમતસિંહ મકવાણાએ કર્યું હતું. અંતમાં આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપક ડો.ગણેશ નિસરતા એ કરી હતી.